શહેરમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે છાંટા પડ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓખીનામનું વાવાઝોડુ અરબી સમુદ્રમાં કેન્દ્રીત થયુ છે. ત્યારે તેની અસર ગાંધીનગરમાં પણ જોવા મળી રહી છે. ગાંધીનગર સહિત જિલ્લામાં સર્વત્ર વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં બે દિવસથી આકાશ વાદળછાયુ જોવા મળી રહ્યું છે. ગુજરાતભરમાં વાવાઝોડાની અસરના પગલે આકાશમાં વાદળ છવાયા છે અને તંત્રને એલર્ટ અપાયા છે. ત્યારે ઢળતી સાંજે પાટનગરમાં સેક્ટરોમાં ક્યાંક ક્યાંક છાટા પડ્યા હતાં. ઓખીના કારણે દિવસના તાપમાનમાં ઘટાડો તો થયો છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધ્યુ છે. સંજોગોમાં છાંટા પડવાના કારણે ઠંડીનો અનુભવ વધુ થયો હતો. શહેરમાં બેઠા ઠાર જેવી સ્થિતિનું રાત્રે સર્જન થયુ હતું.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ તારીખ 7મી ડિસેમ્બર સુધી દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં અસર કરશે. તેમજ તેના કારણે ગાંધીનગર શહેરમાં પણ બે દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાનના સુત્રોના જણાવ્યા અનુસાર સોમવારે મહત્તમ તાપમાન 26.5 ડીગ્રી અને લઘુત્તમ 17.2 ડિગ્રી નોંધાયો છે. જ્યારે સવારે ભેજ 61 ટકા અને સાંજે 53 ટકા નોધાયો છે. ત્યારે આગામી થોડા દિવસો સુધી આકાશમાં વારસાદી વાતાવરણ જોવા મળશે. તો દરિયા કાંઠાના વિસ્તારો પર તંત્રએ એલર્ટ જારી કરી દિધું છે. તારીખ 5મી સુધી ઓખી નામના વા‌વાઝોડાની અસર યથાવત્ રહેશે.

અરબી સમૂદ્રમાં નિર્માણ થયેલા ઓખી વાવાઝોડુ સમુદ્રમાં મુંબઇ તથા ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. ત્યારે મધ્ય ગુજરાત તથા ઉતર ગુજરાતમાં પણ બે દિવસથી ધૂંધળૂ બની ગયુ છે. ત્યારે જિલ્લામાં આજે અ્ને કાલે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતા વચ્ચે ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શીકા જાહેર કરીને ચેતવણી આપી છે.

સાઇક્લોનની સંભાવનાથી તંત્ર એલર્ટ કરાયુ

જિલ્લાકલેક્ટર સતીષભાઇ પટેલે જણાવ્યુ હતુ કે ઓખી સાઇક્લોનની અસર ગાંધીનગર જિલ્લા પણ થઇ શકે અને વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત થઇ રહી છે. ત્યારે જિલ્લાનાં તમામ સરકારી વિભાગો-અધિકારઓને એલર્ટ કરી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...