તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસ્તાની સ્થિતિથી લોકો પરેશાન અને નગરસેવકો ભયભીત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટનગરના માર્ગોને ચૂંટણી પહેલા ચકાચક કરી દેવા કવાયત

વરસાદ રહેવા સાથે નગરના માર્ગોનો સરવે શરૂ કરાશે

નગરમાંતમામ સેક્ટરના રસ્તાઓ ચાલુ ચોમાસામાં ઠેકાણે થઇ ગયા છે અને માથે ચૂંટણી ગાજતી થઇ ગઇ છે. ત્યારે વિધાનસભાની આગામી ચૂંટણી પહેલા તમામ માર્ગોને ચકાચક કરી દેવા સિવાય સરકાર અને સ્થાનિક તંત્ર પાસે કોઇ વિકલ્પ રહ્યો નથી. કેમ કે શહેરી વિસ્તાર ધરાવતી ગાંધીનગર ઉત્તર બેઠક મહા મહેનત બાદ ભાજપના ફાળે આવેલી છે. શહેરી મતદારોને નારાજ રાખવાનું કોઇ કાળે પોષાય તેમ નથી. સેક્ટરોમાં રસ્તાઓની હાલની સ્થિતિથઈ રહેવાસીઓ તો પરેશાન છે પરંતુ તેનાથી વધારે લોક પ્રતિનિધિઓ ભયભીત છે. ત્યારે વરસાદ રહેવાની સાથે તૂટેલા માર્ગોનો સરવે કરીને ચૂંટણી પહેલા તેના કામ શરૂ કરી દેવાશે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યું કે પાટનગરમાં પણ શાશન મહાપાલિકાનું ચાલે છે પરંતુ પાણીના વ્યવસ્થાપનની જેમ રસ્તાની કામગીરી પણ મહાપાલિકાને સોંપવામાં આવી નથી. પાટનગર યોજના વિભાગ દ્વારા રસ્તા બાંધવા અને તેની જાળવણી કરવાના કામ કરવામાં આવે છે. પરંતુ સરકાર તરફથી કરવામાં આવતી નાણાની ફાળવણીમાંથી મહાપાલિકા દ્વારા રસ્તાના કામ માટે પાટનગર યોજના વિભાગને નાણા ફાળવે છે. પરિણામે ખર્ચ પાટનગર યોજના વિભાગના ખાતામાં ઉધારવાને બદલે મહાપાલિકાના ખર્ચમાં પડે છે. જો કે સરવાળે કામ મહાપાલિકાના ભાગની જવાબદારી નહીં હોવા છતાં બદનામી તો સ્થાનિક તંત્રની થઇ રહી છે.

મહાપાલિકા દ્વારા નગરના માર્ગોના નવીનીકરણ અને સમારકામ કરવા માટે પાટનગર યોજના વિભાગને અત્યાર સુધીમાં 28 કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવ્યાં છે. પરંતુ પાટનગર યોજના વિભાગ કામ કરવા માટેના મુહૂર્ત કાઢે તેના પહેલા તો ચોમાસુ બેસી ગયું અને વરસાદની રમઝટ ચાલુ થઇ ગઇ હતી.

સરેરાશ કરતાં પણ વધુ વરસાદ પડવાના કારણે નગરના રસ્તાઓ ખસ્તા હાલ થઇ જવાથી નગરવાસીઓમાં વ્યાપક આક્રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મહાપાલિકાના અધિકારી સુત્રોએ કહ્યું કે રસ્તાની કામગીરી અમારી જવાબદારી પણ નથી અને અમારે નાણાં ચૂકવવા સિવાય કંઇ કરવાનું રહેતું નથી. પરંતુ આવતા દિવસોમાં તંત્રને ઉંઘમાંથી ઉઠાડીને અને દિવસરાતના ધોરણે પણ કામ કરાવાશે તે વાત નક્કી છે, કેમ કે ચૂંટણી આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...