પાટનગરમાં ‘ગુડી પડવા’ તહેવારની ધામધૂમથી ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૈત્રસુદ એકમ એટલે મરાઠી સમાજના નવા વર્ષનો પ્રથમ દિવસ છે.શહેરમાં તા. 28મી માર્ચને મંગળવારથી મરાઠી સમાજના નવા વર્ષ ગુડી પડવા પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ હતી. ગાંધીનગરમાં મરાઠી સમાજના નાગરિકો દ્વારા ઘર આંગણે પાંચ પાંડવોની રતિકૃતિ તૈયાર કરીને તેની આસપાસ સુંદર રંગોલી બનાવી ગુડી(લાકડી) ઉભી કરીને તેની ષોડશોપચારે પૂજા કરી હતી અને એક બીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

મહારાષ્ટ્રીયન સમાજના આગેવાન સંજય થોરાટે જણાવ્યું હતું કે, ગુડી પડવા પર્વ મરાઠી સમાજનું નવુ વર્ષ છે. દિવસે ઘર આંગણે ગાયના છાણથી લીપીને તેના પર સુંદર રંગોળી બનાવીને ગુડી પડવાની પુજા કરે છે. તેમણે ગુડી પડવા પાછળની દંતકથા જણાવતા કહ્યું કે, પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવીને, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ આયોધ્યા પાછા ફર્યા તે દિવસે ચૈત્ર સુદ એકમ હતી. અયોધ્યા નગરીના લોકો ઘેર-ઘેર ગુડી, તોરણ ઉભા કરીને રામના પાછા ફરવાનો આનંદ માણી રહ્યાં હતાં. તે સંદર્ભે ગુડી પડવાનો તહેવાર ઉજવવામાં આવે છે. દિવસે ગુડી ઊભી કરતાં પહેલાં લાકડીને તેલ લગાવી તેને ચોખ્ખા પાણીથી ધોઇ લેવામાં આવે છે. તેને હળદર- કંકુ ચડાવવામાં આવે છે. ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો લોટો, કડવા લીમડાની ડાળી, હાયડા, નાનું કાપડ, સાડ, ફૂલનો હાર વગેરે સામગ્રી લેવામાં આવે છે.

લાકડીના છેડે નાના રંગીન કપડાંને ફીટ બાંધી તેના પર લોટો ઊંધો મૂકવામાં આવે છે. ઊંધા લગાવેલા લોટામાં કડવા લીમડાની ડાળી લગાવી હાયડાનો હાર પહેરાવવામાં આવે છે. લાકડી પર સાડી જે રીતે પહેરાય તે રીતે લાકડીને સાડી પહેરાવાય છે.

મરાઠી સમાજના નવા વર્ષનો પ્રારંભ એટલે ગુડી પડવાનો પર્વ. આદિવસે મરાઠી લોકો ઘર આંગણે ગુડી પડવાની પૂજા કરીને નવા વર્ષનો પ્રારંભ કરે છે. તસ્વીર-ધાર્મિકચૌહાણ

આજે સે.30માં ચેટીચાંદ નિમિત્તે ભજન યોજાશે

ચૈત્રસુદ બીજના દિવસે સિંધી સમાજના આરાધ્ય દેવ ઝુલેલાલનો જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દિવસે સિંધી સમાજ દ્વારા ચેટી ચાંદના પર્વની ઉજવણી કરવામાં આવે છે. સેકટર 30 સ્થિત ઝુલેલાલ મંદિર ખાતે સવારે 11 વાગે મંદિરના પ્રાગણમાં બહેરાણા સાહેબની જ્યોત પ્રગટાવવામાં આવનાર છે. ત્યાર બાદ લાલસાંઇના ગીત, પંજડા અને ભજનો રજુ કરાશે. જ્યારે બપોરે 1 વાગે ભગવાન ઝુલેલાલની આરતી કરાશે.

મરાઠી સમાજના લોકોએ ગુડીની ષોડશોપચારે પૂજા કરી

અન્ય સમાચારો પણ છે...