Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલાદમાં દેશીદારૂની ભઠ્ઠી પરથી 1.18 લાખનો મુદ્દામાલ ઝડપાયો
ગાંધીનગર તાલુકાના વલાદ ગામની સીમમાંથી દેશીદારૂની ભઠ્ઠી પર એલસીબી-2એ રેડ પાડી હતી. જેમાં એલસીબી-2એ 315 લીટર દેશીદારૂ, 5600 લીટર વોશ, એલ્યુમીનિયમના 2 તગારા, લોખંડના 2 પીપ, એક્ટિવા બે બાઈક મળી કુલ 1,18,450ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઘટના સ્થળેથી પકડાયેલા ચાર શખ્સો સહિત કુલ 7 સામે ડભોડામાં ગુનો નોંધાયો છે. એલસીબી-2 પીઆઈ એચ. પી. ઝાલાના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડકોન્સ્ટેબલ મહિપાલસિંહને મળેલી બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. વલાદ બ્રાઈટ સ્કૂલની પાછળ ગૌચરની જમીનમાં ચાલતી ભઠ્ઠી પર પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ જાડેજા (વલાદ), બહાદુરસિંહ લક્ષ્મણસિંહ જાડેજા (સૌજપુર બોધા), સુરજ હડમતસિંહ રાઠોડ (ચિલોડા ગામ), મહેન્દ્રસિંહ હાકમસિંહ રાઠોડ (ચિલોડા) ઝડપાયા હતા. ઘટનાસ્થળેથી દેશીદારૂ ગાળવાના સાધન-સામગ્રી સાથે GJ-01-PF-7121 નંબરનું એક્ટિવા, GJ-01-PB-8507 નંબરનું પેશન બાઈક તથા GJ-18-CJ-5252 નંબરનું સ્પ્લેન્ડર બાઈક મળી આવ્યું હતું. પકડાયેલા શખ્સોને ભઠ્ઠી બાબતે પૂછતાં તેઓએ રજનીબહેન પ્રતાપસિંહ જાડેજા તથા બિંદિયાબહેન હાકમભાઈ રાઠોડના કહેવાથી ભઠી ચલાવતા હોવાનું કહ્યું હતું. વોશ બનાવવા માટે ગોળ તથા ફટકડી રણાસણ ગામે રહેતો જગા જયસ્વાલ આપી જતો હોવાનું કહ્યું હતું. જેથી એલસીબી-2એ બે મહિલા સહિત સાતેય સામે ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો.