ધોરણ 3 થી 8 ની એકમ કસોટી મહિનામાં એક વખત લેવા માગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાથમિક શાળાના ધોરણ 3 થી 8માં દર શનિવારે લેવાતી એકમ કસોટીને લીધે મોટાભાગની ગ્રાન્ટ વપરાઇ જાય છે. જેને પરિણામે એકમ કસોટીની અલગથી ગ્રાન્ટ આપવાની માંગ શિક્ષક આલમમાં ઉઠવા પામી છે. ઉપરાંત દર અઠવાડિયે લેવાને બદલે મહિનામાં એક વખત એકમ કસોટી લેવાય તો તેનું સાતત્ય જળવાય તેવી માંગ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે કરી છે.

રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાનું શિક્ષણ સુધારવા અને એકપણ બાળક વાંચન, ગણન અને લેખનમાં નબળું રહે નહી તે માટે એકમ કસોટી લેવામાં આવી રહી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં રજા સિવાય દર શનિવારે એકમ કસોટી ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓની લેવામાં આવે છે.

જોકે દર શનિવારે અલગ અલગ વિષયની લેવાતી એકમ કસોટી માટે આગલા દિવસ એટલે શુક્રવારે સાંજે 5 વાગ્યા પહેલાં દરેક શાળામાં એકમ કસોટીનું પ્રશ્નપત્ર મોકલી આપવામાં આવે છે. મેઇલથી આવતા પ્રશ્નપત્રની પ્રિન્ટ કોપી કાઢીને તેની વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે ઝેરોક્ષ કાઢવાની હોય છે. આથી શાળાની મોટાભાગની ગ્રાન્ટ સ્ટેશનરી અને ઝેરોક્ષ કાઢવામાં જ વપરાઇ જતી હોવાથી ગ્રાન્ટના અભાવે શાળાની અન્ય કામગીરી થઇ શકતી નથી.

આથી રજા સિવાય દર સપ્તાહે લેવાતી ધોરણ 3 થી 8ના વિષયવારની એકમ કસોટી મહિનામાં એક વખત લેવામાં આવે તો તેનું સાતત્ય જળવાઇ રહે તેમજ સમગ્ર શિક્ષા અભિયાનનો હેતુ પણ સચવાય તેવી માંગણી સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતીષભાઇ પટેલે શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવને રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...