કરનો સૂચિત વધારો નામંજૂર કરાશે તો બજેટ સર્વાનુમતે મંજૂર : વિપક્ષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મ્યુનિસિપલ કમિશનરના ડ્રાફ્ટ બજેટમાં મિલકત વેરા અને સફાઇ વેરાના દરમાં તોતિંગ વધારો માગવામાં આવ્યો છે અને સ્થાયી સમિતિએ તેને અમલી કરવા કે નહીં કરવા તેનો નિર્ણય લેવાનો છે. ત્યારે મહાપાલિકામાં વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ સ્થાયી સમિતિના ચેરમેનને પત્ર પાઠવીને જણાવ્યું કે, મોંઘવારીથી નગરજનો ત્રસ્ત છે. ત્યારે નવું કર ભારણ તેમના માટે કમરતોડ સાબિત થશે. પ્રજાના હિત માટે સ્થાયી સમિતિ દ્વારા કરનો સુચિત વધારો નામંજુર કરાશે તો સામાન્ય સભામાં વિપક્ષ તેમને સમર્થન કરશે અને શાસકપક્ષે બહુમતીથી બજેટ મંજુર કરવું નહીં પડે, પરંતુ સર્વાનુમતે બજેટને મંજુરી અપાશે. જો શાસક પક્ષ દ્વારા જનતા પર કર દરનો વધારો લાદી દેવાશે તો ઉગ્ર આંદોલન છેડવાની ફરજ પડશે.

વિપક્ષના નેતાએ જણાવ્યું કે બજેટમાં પ્રજા કલ્યાણના કામની કોઇ વાત નથી, કે કહેવાતા વિકાસની પણ વાત નથી. માત્ર અને માત્ર કર વેરાના દર વધારવા માટે જ જાણે બજેટ તૈયાર કરાયું છે. ત્યારે સ્થાયી સમિતિએ તેને સંપૂર્ણ નામંજુર કરીને નગરવાસીઓનેનવા બોજામાંથી ઉગારી લેવી જોઇ. મહાપાલિકાએ સફાઇ ઉપરાંતની કોઇ કામગીરી કરવાની થતી નથી અને તેમાં પણ સમગ્ર મહાપાલિકા વિસ્તારને આવરી લેવામાં સફળતા મળી નથી. તો કર ભારણ વધારવાનો કોઇ ફાયદો નથી. વધારામાં સરકારી મિલકતો પાસેથી રૂપિયા 30 કરોડ જેવી વસૂલાત બાકી છેતેની વસૂલાત માટે કાયદેસરની કાર્યવાહી પણ કરાતી નથી. વિપક્ષના નેતાએ આ પત્રની નકલ મેયર, ડેપ્યુટી મેયર, કમિશનર અને ડેપ્યુટી કમિશનરને પણ મોકલાવી છે.

સ્થાનિક સંસ્થાઓ દ્વારા કરબોજનો વિરોધ

મિલકત વેરા અને સફાઇ વેરાના દરમાં સુચિત વધારા સામે નગરની આગેવાન સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો છે. શહેર વસાહત મહામંડળના પ્રમુખ અરૂણભાઇ બુચે કહ્યું કે અમદાવાદ મહાપાલિકાના બજેટમાં પણ કમિશનરે કરના દરમાં વધારો માગ્યો હતો. પરંતુ શાસકપક્ષ ભાજપે મોંઘવારીમાં પીસાતી પ્રજાની પડખે ઉભા રહીને તેને નામંજુર કર્યો હતો. ગાંધીનગરમાં ભલે ચૂંટણી ના હોય પરંતુ પ્રજા નવો બોજ ઉપાડવા સક્ષમ નથી. ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળના પ્રમુખ ભરતસિંહ બિહોલાએ પાટનગરની સ્થાપના માટે જમીન આપનારા અને મહાપાલિકામાં સમાવાયેલા ગામડા ઇન્દ્રોડા, બોરીજ, આદિવાડા, ધોળાકુવા, ફતેપુરા, પાલજ અને બાસણમાં કરના હાલના દરમાં રાહત આપવાની માગણી કરી છે. તેમણે જણાવ્યું છે કે સેક્ટરોમાં ઉપલબ્ધ કોઇ સુવિધા મહાપાલિકાએ ઉપરોક્ત ગામોમાં આપી નથી.
અન્ય સમાચારો પણ છે...