તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉનાવા મધ્યાહન ભોજન કૌભાંડમાં સંચાલકને 33 વર્ષ પછી 2 વર્ષની સજા ફટકારાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાળામાં ભણતા બાળકોને પોષણયુક્ત આહાર આપવા માટે સરકારે શરૂ કરેલી મધ્યાહ્ન ભોજન યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની વાત કોઈ નવી નથી ત્યારે ગાંધીનગર નજીક આવેલા ઉનાવા ગામમાં મધ્યાહ્ન ભોજન કેન્દ્રના સંચાલકને ખોટા આંકડા રજૂ કરી છેતરપીંડી કરવા બદલ કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે. 1986ની સાલમાં કૌભાંડ બહાર આવ્યા બાદ આ મામલે 1994માં પેથાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેમાં 2019માં કોર્ટે આરોપીને 2 વર્ષની સજા ફટકારી છે.

ગાંધીનગર નજીક આવેલા ઉનાવ ગામ પંચવટી વાસમાં રહેતો જયંતિ શામળભાઈ પટેલ 1985-86માં ઉનાવા મધ્યાહન ભોજન યોજના કેન્દ્રનો સંચાલક હતો. જેમાં અધિકારીઓ દ્વારા ચેકિંગ કરાતાં ગોટાળો જણાતા આ મામલે વર્ષ ૧૯૯૪માં સરકાર તરફથી જયંતિભાઈ સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પેથાપુર પોલીસે આ કેસની તપાસ દરમિયાન સાક્ષીઓના નિવેદન સાથે પુરાવા એકઠાં કર્યા હતા અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.

આ કેસ ગાંધીનગર એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઝેડ.એ. સીંધીની કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. જેમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે, પ્રાથમિક શિક્ષણને પ્રાધાન્ય આપવા માટે મધ્યાહ્ન ભોજન યોજના શરૂ કરવામાં આવી છે. બાળકોને પોષણક્ષમ આહાર આપવાના હેતુથી ચાલતી આ યોજનામાં ઉચાપત કરવામાં આવે તે યોગ્ય નથી.

આ કેસમાં દાખલારૂપ સજા કરવાની તેમની દલીલોના સંદર્ભે કોર્ટે આરોપીને બે વર્ષની સાદી કેદની સજા અને ૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

28 વર્ષે કૌભાંડ કર્યું, સજા 62 વર્ષે ભોગવવાની આવી
આરોપી જયંતિ પટેલનું કૌભાંડ પકડાયું ત્યારે તેની ઉંમર 28 વર્ષની હતી.તેની સામે કેસ નોંધાયો ત્યારે ઉંમર 36 વર્ષ હતી. હવે કોર્ટે જ્યારે આરોપીને સજા ફટકારી છે ત્યારે તેની ઉંમર 62 વર્ષની થઈ છે.

કેસનો ઘટના ક્રમ
આરોપી જયંતિ પટેલ સંચાલક હતો ત્યારે 1986માં તત્કાલિક નાયબ મામલતદાર દ્વારા શાળામાં ચેકિંગ કરતાં 75 બાળકો જમતા હોવાની સામે 375નો આંકડો બતાવાયો હોવાનું સામે આવ્યું.

જિલ્લા આયોજન અધિકારીને તપાસ સોંપાતા જંયતિ પટેલને 31-1-1988ના રોજ દોષિત ઠેરવાયો.

1994માં પેથાપુર પોલીસ સ્ટેશનમાં આ કેસની ફરિયાદ નોંધાઈ.

જેમાં ચાર્જશીટ બાદ ગાંધીનગર કોર્ટે 2019માં આરોપીને બે વર્ષની સજા ફટકારી

અન્ય સમાચારો પણ છે...