મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં વાયબ્રન્ટ-2019 એડવાઇઝરી કમિટીની પ્રથમ બેઠક સંપન્ન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં શુક્રવારે વાઈબ્રન્ટ સમિટ-2019ની એડ્વાઈઝરી કમિટીની પ્રથમ બેઠક મળી હતી. બેઠકમાં વાઈબ્રન્ટ સમિટના આયોજનને લગતું પ્રેઝન્ટેશન નિહાળીને મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગના ઉચ્ચઅધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ વખતે તા.18થી 20 જાન્યુઆરી દરમિયાન યોજાનાર વાઈબ્રન્ટ સમિટ-2019 ‘શેપિંગ અ ન્યૂ ઈન્ડિયા’ની થીમ પર યોજાશે.


રાજ્યના ચાર મહાનગરોમાં યૂથ કનેક્ટ ફોરમન યોજવામાં આવશે


વડાપ્રધાન મોદીની સંકલ્પનાના ભારત નિર્માણમાં હોલિસ્ટિક ડેવલપમેન્ટના એપ્રોચ સાથે ગુજરાત આ સમિટથી યોગદાન આપવા પ્રતિબદ્ધ છે. વધુમાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ સમિટમાં યૂથ, નાના વેપારીઓ, સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ, બિઝનેસ-ટ્રેનિંગ એક્ટિવિટીને પણ જોડવામાં આવશે. આ વખતે યોજાનારી વાઈબ્રન્ટ સમિટ પહેલાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત રાજ્યના ચાર મહાનગરોમાં યૂથ કનેક્ટ ફોરમન યોજવામાં આવશે.


ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ, યુવા વર્ગો સાથે વાર્તાલાપ


યૂથ ફોરમ યોજીને યંગ-અચીવર્સ, સફળ ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ, યુવા વર્ગો સાથે વાર્તાલાપ કરવામાં આવશે. વાઈબ્રન્ટ સમિટના માધ્યમથી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, વિદેશ મંત્રાલય, વિવિધ રાષ્ટ્રોની એમ્બેસીઝ, ઉદ્યોગ-વેપારને લગતા સંગઠનો તમામનો સહયોગ મેળવીને ગુજરાતના વિકાસને વધુ વેગ આપવામાં આવશે. એડ્વાઈઝરી કમિટી દ્વારા આપવામાં આવેલાં સૂચનોને ધ્યાને લઈને વાઈબ્રન્ટ સમિટ પહેલાં ડિસિઝન મેઈકિંગ ઉચ્ચસ્તરીય સમિતિમાં સૂચનો સંદર્ભે પરામર્શ કરવામાં આવશે.


આ વખતે વાઈબ્રન્ટ સમિટમાં મેડિકલ ટૂરિઝમ અને હેલ્થકેરને પ્રમોટ કરાશે


મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, આ વખતે વાઈબ્રન્ટ સમિટમાં ફાર્મા અને મેડિકલ ફેસિલિટીઝને શો કેસ કરી મેડિકલ ટૂરિઝમ અને હેલ્થકેરને વ્યાપક સ્તરે પ્રમોટ કરવામાં આવશે. આ ઉપરાંત સોશિયલ સેક્ટર, ડાયમન્ડ, મેન્યુફેક્ચરિંગ, સેઝ સહિતના ક્ષેત્રોને આગળ ધરવામાં આવશે.