ગાંધીનગર: રાજ્યમા સરકારી શાળાના શિક્ષકો અને ગ્રાન્ટેડ શાળાના સહાયક શિક્ષકો વચ્ચે આશરે 10 હજાર જેટલા પગારનો તફાવતો રાખવામાં આવ્યો છે. એક જ કામગીરી છતા પગાર એક સરખો આપવામાં આવતો નથી. ફિક્સ પગારની નોકરીને સળંગ ગણવામાં આવતી નથી. આ બાબતે અનેકવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. પરંતુ સરકાર તરફથી મગનુ નામ મરી પાડવામાં આવતુ નથી. ત્યારે આજે રવિવારે રાજ્યભરના ગ્રાન્ટેડ શાળાના સહાયક શિક્ષકો સત્યાગ્રહ છાવણીમાં સરકાર સામે વિરોધ નોંધાવી રામધૂન બોલાવશે. ત્યારે સત્યાગ્રહ છાવણી શિક્ષકોથી ઉભરાઇ જશે.
ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ પંજકભાઇ પટેલે કહ્યુ કે, સરકારમાં નોકરી કરતા કર્મચારીઓના પગારમાં અનેક વિસંગતતાઓ જોવા મળી છે. સરકારી શાળાના શિક્ષકો અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો વચ્ચે પગારમાં મોટો તફાવત રાખવામાં આવ્યો છે. એક સરખી કામગીરી કરવા છતા 10 હજાર જેટલો તફાવત રખાયો છે. ત્યારે આ તફાવત દુર કરવા, ફિક્સ પગારની નોકરીને સળંગ ગણવા, સાતમાં પગાર પંચના તફાવતના હપ્તા આપવા, સિનિયર કરતા જુનિયરનો પગાર વધવા, 31 વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ આપવા સહિતના મુદ્દે આજે ધરણા કરવામાં આવશે.
શિક્ષક સંઘના આગેવાનોએ મહેસૂલમંત્રી સમક્ષ હૈયાવરાળ ઠાલવી
આંકડાશાસ્ત્રના છુટા કરાયેલા શિક્ષકોને પરત લેવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે શનિવારે મંત્રી કૌશિક પટેલ સાથે ચર્ચા કરવામાં આવી હતી. સરકારમાં રજૂઆત કરી, કાળીપટ્ટી ધારણ કરી, યોગ દિવસ અને પ્રવેશોત્સવમાં વિરોધ નોંધાવ્યો છતા સરકારના પેટનુ પાણી નહિ હલતા આખરે શનિવારે ગાંધીનગર શહેરના સેક્ટર 6માં આવેલી સત્યાગ્રહ છાવણીમાં સવારે 11થી બપોરના 1 વાગ્યા દરમિયાન 33 જિલ્લાના શિક્ષક મંડળના હોદ્દેદારો પણ જોડાઇને રામધૂન બોલાવશે. જેમાં રાજ્યભરની શાળામાં ફરજ બજાવતા 5 હજાર કરતા વધારે શિક્ષકો હાજર રહીને સત્યાગ્રહ છાવણી ઉભરાવી નાખશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.