ગાંધીનગર: સેકટર 28નાં બગીયા પાસે તળાવનાં વિકાસ માટે કોર્પોરેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા આ દબાણો નજરે ચડતા મંગળવારે મેગા ડીમોલીશન હાથ ધરીને 15 જેટલા દબાણો દુર કર્યા છે. જયારે હજુ 35થી વધુ દબાણો સામે કાર્યવાહી કરવામાં આવનાર છે. શહેરનાં સેકટર 28 જીઆઇડીસી વિસ્તારમાં આવેલા બગીચાને સામે જ એક તળાવ હતું, જે સમય જતા છીછરૂ થઇ જતા તેના ડેવલપમેન્ટ માટે સ્થળ વિઝીટ કરવામાં આવી ત્યારે તળાવ આસપાસનાં દબાણોનાં કારણે નાનું થઇ ગયાનું ધ્યાને આવ્યુ હતુ.
તંત્ર દ્વારા 15થી વધુ દબાણો હટાવી દેવાતા દબાણકારોમાં ફફડાટ
આ દિશામાં તપાસ કરતા જીઆઇડીસીનાં વેપારીઓ દ્વારા જ પોતાનાં પ્લોટ પાસેની સરકારી જમીન પર પ્લોટ જેટલા જ પાકા દબાણો કરી દીધાનું સામે આવ્યુ હતુ. મંગળવારે દબાણ અધિકારી મહેશ મોડ તથા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનુભાઇ પટેલનાં હોદેદારો-અધિકારી જેસીબી સાથે ત્રાટક્યા હતા અને 15 જેટલા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણોમાં કયાંય મંડપ ડેકોરેટીંગનાં ગોડાઉન તો કયાંય ગેરેજ ધમધમતા હતા.
દબાણો હટાવી પાર્કિંગ તરીકે ડેવલપ કરાશે
કોર્પોરેશનનાં સુત્રોનાં જણાવ્યાનુસાર આ વિસ્તારમાં તમામ દબાણોને હટાવવામાં આવશે. જેના પગલે મોટી જગ્યા ખુલ્લી થશે. હાલ કોર્પોરેશનને પોતાનાં વાહનો રાખવાની સમસ્યા છે ત્યારે દબાણો હટાવ્યા બાદ આ જગ્યા કોર્પોરેશનનાં વાહનોનાં હોલ્ટ માટે ઉપયોગમાં લેવાનું આયોજન છે.
દબાણમાં બાંધકામ કરી ભાડે આપી દેતા
જે દબાણો તોડવામાં આવ્યા છે તેમાંથી કેટલાક લોકોએ તો જગ્યા તથા શેડ ભાડે આપીને કમાણી શરૂ કરી દીધી હતી. જેમાંથી એક વ્યક્તિએ વાર્ષિક રૂ.1.75 લાખનાં ભાડે જગ્યા રાખી હોવાનું જણાવ્યુ હતુ. ત્યારે કોર્પોરેશનની આ કાર્યવાહીને લઇને જીઆઇડીસી વિસ્તારનાં દબાણકારોમાં ફફટાડ ફેલાઇ ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.