તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર પોલીસે ગરબા આયોજકોને જેટલા પાર્કિંગની વ્યવસ્થા હોય તેટલા જ પાસ ઈસ્યુ કરવા સૂચના આપી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: ગાંધીનગર પોલીસે ગરબા આયોજકોને જેટલા વાહન માટે પાર્કિંગની વ્યવસ્થા હોય તેટલા જ પાસ ઈસ્યુ કરવા સૂચના આપી છે. પોલીસે ચેતવણી આપી છે કે, પાર્કિંગના નિયમનો ભંગ થશે તો મંજૂરી રદ કરવામાં આવશે. હાઇકોર્ટના આદેશને પગલે પોલીસે કડક અમલ સાથે શરતી મંજૂરી આપતાં ગરબા આયોજકો માટે સ્થિતિ કપરી બની રહી છે. ગાંધીનગર ટ્રાફિક પીઆઇ બી.જે.વ્યાસે જણાવ્યું કે ટ્રાફિક બાબતે હાઇકોર્ટે આપેેલા દિશા નિર્દેશનો નવરાત્રી દરમિયાન કડક અમલ કરાશે. કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે મંજૂરી સાથે જ શરતો મૂકવામાં આવી છે. જેમાં જે જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવે તેમની પાસે પાર્કિંગની જેટલી વ્યવસ્થા હોય તે પ્રમાણે જ પાસ વેચવામાં આવે તેવી તાકીદ કરાઈ છે.

 

નિયમ ભંગ થશે તો મંજૂરી રદ કરાશે

 

પાર્કિંગની પૂરતી વ્યવસ્થા સાથે યોગ્ય પાર્કિંગ કરાવવા માટે સિક્યુરિટીની વ્યવસ્થા પણ આયોજકોએ કરવાની રહેશે. પાસમાં જ તેમનું વાહન કયાં પાર્ક કરવું તેનો ઉલ્લેખ શક્ય હોય તો કરવામાં આવે અને તે પ્રમાણે પાર્કિંગમાં પણ નંબરિંગ અને સાઇનની વ્યવસ્થા કરવામાં આવે તેવો આગ્રહ કરાયો છે. જ્યારે અન્ય સીસીટીવી, સિક્યુરિટી, લાઉડ સ્પીકર લગાડવા બાબતે દર વર્ષ પ્રમાણેની શરતોનું પાલન કરવાનું રહેશે. જયારે આયોજકો દ્વારા પણ ટોઇંગ વાહન રાખવામાં આવે તો કોઇ વાહન ફસાય તો સમયસર નિકાલ થઇ શકે તે બાબતે પણ અપીલ કરાઇ છે. નિયમોનો ભંગ થશે તો મંજૂરી રદ કરવા સુધીની કાર્યવાહી કરાશે. પોલીસે સ્પષ્ટતા કરી છે કે રોડ પર વાહન પાર્ક કરવામાં આવ્યું હશે તો ટો કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. 

 

50 કર્મચારી સાથે ટોઈંગ વાન રોડ પર ફરતી રહેશે

 

ટ્રાફિક પીઆઇના જણાવ્યાનુસાર નવરાત્રી રસ્તાઓ પર  તથા ફૂટપાથ પર અડચણરૂપ વાહન પાર્ક જોવા મળશે તો ટોઇંગ કરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને અપીલ છે કે વ્યવસ્થા જાળવાય તે માટે વાહનો યોગ્ય જગ્યાએ પાર્ક કરવામાં આવે. ટ્રાફિક બ્રિગેડના 50 કર્મચારીઓ ટોઇંગ વાન સાથે ફરશે.


ગરબાના સ્થળે મહિલા સિક્યુરિટી ગોઠવવામાં આવશે


ગરબા સ્થળો પર મહિલા સિક્યુરીટીની સાથે માર્ગો પર મહિલાઓની કનડગત રોકવા તેમજ રોડ પર સ્ટંટ કરતાં બાઈકર્સને પકડવા માટે વિશેષ સ્કવોડ ગોઠવવામાં આવશે. 

 

નિયમોનો અમલ કરીશું


અમારી પાસે પાર્કિંગની પૂરતી વ્યવસ્થા છે. તંત્રએ પાર્કિંગ સહિતની જે શરતો મૂકી છે તે વ્યવસ્થાનાં ભાગરૂપે છે અને તેનું યોગ્ય પાલન થાય તે પ્રમાણે જ આયોજન કરાયંુ છે. 
- રોહિત નાયાણી, ગરબા આયોજક