‘લોકસભાની ચૂંટણીમાં હું નડીશ એ ભાજપને ખબર છે એટલે જ મહેન્દ્રને લઈ ગયા’: શંકરસિંહ વાઘેલા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરઃ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ શનિવારે અચાનક ભાજપનો ખેસ ધારણ કરી લેતા વાઘેલાએ પોતે એ અંગે નારાજ હોવાની જાહેરાત કરી છે. સમગ્ર મામલે પત્રકાર પરિષદ યોજીને શંકરસિંહ વાઘેલાએ પોતાના પુત્રને ચીમકી આપી છે કે, અઠવાડિયામાં સમર્થકો, ટેકેદારો અને જેમના થકી તેઓ નેતા બન્યા છે તેવા કાર્યકરોનો વિશ્વાસ સંપાદન કરવો અને જો તેમના સમર્થકો હા પાડે તો તેમને સાથે લઈને ભાજપમાં જવું પરંતુ જો  ના પાડે તો મહેન્દ્રસિંહે ભાજપ છોડવું જોઈએ. જો મહેન્દ્રસિંહ તેમ ન કરે તો વાઘેલા મહેન્દ્રસિંહને પોતાના રાજકીય વારસાથી દૂર કરી દેશે. 

 

વાઘેલાએ એમ પણ જણાવ્યું કે, જરૂર પડે તો તેઓ મહેન્દ્રસિંહની વિરુદ્ધ ચૂંટણી પ્રચાર પણ કરી શકે છે. જ્યારે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરતી વખતે મહેન્દ્રસિંહે શંકરસિંહના આશીર્વાદ લીધા  હોવાનું જણાવ્યું હતું. આમ હવે મધ્ચ પ્રદેશના સિંધીયા પરિવાર બાદ ગુજરાતનો વાઘેલા પરિવાર એક પગ કોંગ્રેસ અને એક પક્ષ ભાજપમાં રાખવાની તર્જ પર છે એમ કહી શકાય.

 

અમિત શાહે ફોન કરીને મહેન્દ્રસિંહને ભાજપમાં જોડાવા લલચાવ્યા

 

વાઘેલાએ  જણાવ્યું કે, ત્રણ દિવસથી મહેન્દ્રસિંહને ભાજપમાં જોડાઈ જવા માટે લલચાવવામાં આવતા હતા. મહેન્દ્રસિંહે શંકરસિંહને આ અંગે જણાવ્યું હતું કે, અમિત શાહે ફોન કરીને ભાજપમાં જોડાઈ જવાની ઓફર કરી છે. વાઘેલાએ કહ્યું, ‘ મેં મહેન્દ્રસિંહને કહ્યું કે, તમે પુખ્ત અને પીઢ રાજકારણી છો, ભાજપમાં  જોડાવું કે નહીં તે તમારે નક્કી કરવાનું છે પરંતુ એ પહેલાં રાજ્યભરમાં વરસોથી સાથ આપનારા સમર્થકોને મળીને તેમનો મત જાણવો જરૂરી છે. તે લીધા પછી જ કોઈ પગલું ભરજો. પરંતુ મહેન્દ્રએ મારી સલાહને અવગણી છે.

 

હું લોકસભામાં નડીશ તેથી મહેન્દ્રને લઈ ગયા

 

વાઘેલાએ કહ્યું કે, લોકસભાની ચૂંટણી આવી રહી છે તેથી હું ફરી સક્રિય થયો છું. હું કોને નડીશ તેની સમજ હોવાથી તેઓ મારી ક્રેડિબિલિટીને ઝાંખપ લાગે તે માટે મહેન્દ્રને લઈ ગયા છે.

 

 

દેશમાં કોંગ્રેસ જેવી ડેમોક્રેટિક પાર્ટી કોઈ નથી, વાઘેલાએ કોંગ્રેસના વખાણ કર્યા

 

આગામી ઓગસ્ટમાં વાઘેલા કોંગ્રેસ તરફી વલણ જાહેર કરે તેવી સંભાવના તેમના એક નિવેદનથી મળે છે. વાઘેલાએ જણાવ્યું કે, ભાજપ કે પછી દેશની કોઈ પણ પાર્ટીમાં આંતરિક 

લોકશાહી નથી. જ્યારે કોંગ્રેસ જેવી ડેમોક્રેટિક પાર્ટી દેશમાં કોઈ નથી.

 

 

કોઈ પદ માટે ભાજપમાં નથી જોડાયો:  મહેન્દ્રસિંહ

 

યુથ પાર્લિયામેન્ટના પ્રારંભ પહેલાં જ જીતુ વાઘાણી અને નીતિન પટેલના હાથે ખેસ પહેરીને ભાજપમાં જોડાયેલા શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહે કહ્યું કે ‘બાપુના મને આશીર્વાદ છે. હું લોકસભાની ચૂંટણી લડવા કે કોઈ પદ લેવા માટે ભાજપમાં નથી જોડાયો. પક્ષ તરફથી મને જે જવાબદારી, જે કામ સોંપાશે તે કરીશ.’

 

 

મહેન્દ્રસિંહની પાછળ શંકરસિંહનું નામ લાગે છે, ભાજપે પણ પૂછવાની જરૂર હતી

 

વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાજપે પણ મહેન્દ્રની જરૂર હતી તો પહેલાં મને એકવાર પૂછવું જોઈતું હતું. કારણકે મહેન્દ્રસિંહની પાછળ શંકરસિંહનું નામ લાગે છે. પણ તેમણે એવું કર્યું નહીં. 

આ રીતે ચોરી છૂપીથી મહેન્દ્રના ભાજપમાં જોડાવાથી સમાજમાં એવો ખોટો સંદેશો જાય કે બાપુ હવે ભાજપમાં આવી ગયા છે, જે હું નથી ઈચ્છતો. સીબીઆઈ હોય કે ઈડી કોઈની 

સાડાબારી નથી, બાપુ કોઈના બાપથી નથી ડરતા આપણે ક્યારેય કંઈ ખોટું કર્યું જ નથી.