સામાન્ય સભામાં મંદિર સુવિધા મુદ્દે સભ્યો બાખડ્યાં, મામલો સરકારમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: નગરસેવકોની દિલ્હીની હવાઇ યાત્રા શરૂ થયા પહેલા મંગળવારે મળેલી મહાપાલિકાની સામાન્ય સભામાં મંદિરોમાં શેડ સહિતની સુવિધા નગર સેવકોની ગ્રાન્ટની રકમમાંથી આપવાના મુદ્દે કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે ક્યા મંદિરને કાયદેસરના ગણવા તે વાતે શાબ્દિક તડાફડી મચી ગઇ હતી અને તેના પરિણામે આ મુદ્દે કોઇ નિર્ણય લઇ શકાયો ન હતો. પરંતુ આ મુદ્દો સરકારમાં મોકલીને ત્યાંથી મંજુરી મેળવવા નક્કી કરવું પડ્યુ હતું.

 

સામ સામી દલીલબાજી દરમિયાન કોંગ્રેસના સભ્યો દ્વારા ચોક્કસ મંદિરોમાં જ આ સુવિધા આપવાના બદલે મહાપાલિકા વિસ્તારમાં આવેલા તમામ 30 સેક્ટર અને શહેરી ગામડાઓમાં આવેલા તમામ મંદિરને આવરી લેવાની માગણી કરવામાં આવી હતી. મંજુરી માટે મ્યુ.કમિશનર મોદી દ્વારા જે મુદ્દા મુકાયા તેમાં નગર સેવકોની ગ્રાન્ટની 2016 અને 2017ની રકમમાંથી મંદિરોમાં શેડની સુવિધા આપવાની બાબત હતી.

 

બપોરે સભામાં અધ્યક્ષસ્થાનેથી મેયર પ્રવિણભાઇ પટેલે આ મુદ્દો ચર્ચામાં મુક્યાની સાથે ધમાલ મચી ગઇ હતી કોંગ્રેસી સભ્ય જીતુ રાયકાએ કહ્યુ હતું કે કાયદેસર અને ગેરકાયદે મંદિરની વ્યાખ્યા નક્કી કરી હોય તો સભા સમક્ષ મુકો, જ્યારે વિપક્ષનેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ કહ્યુ હતું કે બાપ-દાદાના સમયના મંદિરોની કાયદેસરતાની સનદ ક્યાંથી લાવવી. સ્થાયી સમિતિના ચેરમેન મનુભાઇ પટેલે એવો જવાબ આપ્યો હતો કે જે મંદિર કાયદેસર હોય ત્યાંજ કામ કરી શકાશે.

 

કોઇ મંદિર ભાજપ કે કોંગ્રેસ પક્ષનું હોતું જ નથી

 

સ્થાયી સમિતિના ચેરમેને શાબ્દિક ટપાટપી દરમિયાન એ વાત સભ્યોને સમજાવવા પ્રયાસ કર્યો હતો કે કોઇ મંદિર ગાંધીનગરમાં ભાજપ કે કોંગ્રેસનું નથી. ધમાલ ચાલુ રહેતા અધ્યક્ષે આ મુદ્દો સરકારમાં મોકલવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

 

નિયત મંદિરની સરકારી મંજુરી દર્શાવવા વિપક્ષ દ્વારા માગણી


ગ્રાન્ટની રકમ આ કામમા ખર્ચ કરવા નિર્ણય લેવાયા પહેલા ધમાલ મચી તેમાં વિપક્ષનેતાએ કહ્યુ હતું કે ભાજપ દ્વારા ક્યા મંદિરને સમાવવા તે નક્કી કરાયુ હોય તો તે મંદિર કાયદેસર હોવાની મંજુરીના કાગળ સભામાં મુકવા જોઇએ.


મંદિર મુદ્દે રાજકારણ ન લાવો


મહાપાલિકા વિસ્તારમાં 100ની સામે 20 મંદિર પણ કાયદેસરના નથી, તેમ કહીને વિપક્ષનેતાએ કહ્યુ હતું કે કાયદેસર હોવાનો મંજુરી પત્ર લાવવાની વાત ન કરવી જોઇએ અને મંદિરના કામમાં વચ્ચે રાજકારણ લાવવું જોઇએ નહીં.


તમે રામ મંદિરવાળા, અમે મંદિરવાળા


સભામાં હોબાળા દરમિયાન કોંગ્રેસી સભ્ય હસમુખભાઇ મકવાણાએ શાશકપક્ષ ભાજપના સભ્યોને ટોણોં મારતા કહ્યુ હતું કે તમે રામ મંદિરવાળા છે અને અમે બધા મંદિરવાળા છીએ. તેના આ વિધાનથી હાસ્યનું મોજુ ફરી વળ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...