સ્વચ્છતા એપની પોલંપોલ: પાટનગરના બદલે અન્ય શહેરના ફોટો ચઢાવી દેવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: સ્વચ્છતા સર્વેક્ષણ 2018, કે જેને દેશ વ્યાપી સ્પર્ધા તરીકે હાથ ધરાયું છે અને ભારત સરકાર તેના સંબંધમાં વર્લ્ડ રેકર્ડ નોંધાવવા માગે છે. તેના માટે તૈયાર કરાયેલા મોબાઇલ એપના છબરડા હદ વટાવી ગયા છે. ગાંધીનગર મહાપાલિકાને તેમાં અન્ય શહેરના ફોટા પરંતુ ગાંધીનગરના અધુરા સરનામા સાથેની ફરિયાદો મળી છે. મહાપાલિકા દ્વારા ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બનાવાયેલા સ્વચ્છતા એપના યુઝર વધે તેના માટે કરાયેલા અનેકવિધ પ્રયાસો પછી પ્લે સ્ટોરમાંથી સ્વચ્છતા એપ ડાઉનલોડ કરનાર યુઝરની સંખ્યા 3, 032 પર પહોંચી ગઇ છે અને જે ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.

 

તેની સંખ્યા 40, 264 પર પહોંચી છે. ત્યારે ગાંધીનગરના અધૂરા સરનામા અને અન્ય શહેર કે અન્ય રાજ્યના ગંદકીના ફોટોઝ સાથેની વિગતો આ એપમાં દેખાઇ રહ્યાના મુદ્દે મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદીએ જણાવ્યું કે આ ટેકનિકલ એરર હોય તેમ જણાય રહ્યું છે અને તેના કારણે મહાપાલિકામાં સફાઇ કામગીરી સાથે સંકળાયેલા અધિકારી, કર્મચારીઓ પણ હેરાન પરેશાન થઇ ગયા હોવાથી આ મુદ્દે સ્વચ્છ ભારત મિશન દિલ્હીને આ મુદ્દે ફરિયાદ પહોંચાડવામાં આવી છે. જો કે સ્વચ્છતા એપ નામે કોઇ રાષ્ટ્રીય કૌભાંડ ચાલી રહ્યું હોવાની વાતને તો નકારી શકાય તેમ નથી. માની લઇએ કે, ગાંધીનગર મહાપાલિકાની તેમાં કોઇ સંડોવણી નથી.

 

સ્વચ્છતા એપને ધીમુ પાડી દેવાયું


દાહોદનો આ પ્રકારનો કિસ્સો સામે આવ્યા પછી સ્વચ્છતા એપ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. તે ખુલવામાં કલાક પસાર થઇ જવાથી યુઝર કંટાળી જાય છે. તેની સાથે મહાપાલિકાને એપ દ્વારા મળતી ફરિયાદોની સંખ્યામાં ઘટાડો આવી ગયો છે.

 

ગાંધીનગરનો સ્વચ્છતા ક્રમાંક 6 પર

 

સ્વચ્છતા સર્વેક્ષણ તારીખ 4 જાન્યુઆરીના દિવસથી ચાલુ કરવામાં આવ્યું ત્યારે ગાંધીનગર મહાપાલિકાનો રેન્ક 7મો હતો. ડેપ્યુટી મ્યુનિસપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યું કે તારીખ 18મીની સ્થિતિએ ગાંધીનગરનો રેન્ક 6 બતાવાય રહ્યો છે.

 

એક જ ફોટો મનપા, પાલિકાને મળ્યા

 

સ્વચ્છતા એપમાં એક તસ્વીર એવી મળી આવી છે, જેમાં એકમાં લોકેશન સેક્ટર 26 ગાંધીનગર દર્શાવવામાં આવ્યું છે. તો બીજામાં તેમાં લોકેશનમાં દાહોદ લખેલુ જોવામાં આવી રહ્યું છે.

 

હિમાચલના ફોટો ગાંધીનગરને મળ્યા

 

મ્યુનિસિપલ કાઉન્સિલ ધર્મશાલા લખેલી કચરા ગાડી સાથેના ફોટોમાં સેક્ટર 20 ગાંધીનગરનું લોકેશન દર્શાવાયું છે. મતલબ કે હિમાચલ પ્રદેશના ફોટોગાંધીનગર મહાપાલિકાને પહોંચાડી દેવાયા છે. તે પણ ગાંધીનગરના સરનામા સાથે છે.

 

એપ્લિકેશનનુ કામ કોઇને સોંપાયુ નથી


ગંદકીની ફરિયાદો સ્વચ્છતા એપ મહાપાલિકાએ બનાવ્યુ નથી. તેમાં યુઝર દ્વારા મુકાતી ફરિયાદ સ્વચ્છ ભારત મિશન દિલ્હીને પણ મળે છે અને અમને પણ મળે છે. મહાપાલિકાએ આ કામગીરી કોઇને સોંપવામા આવી  નથી. તેથી આવી બાબત શક્ય બની ન શકે.- ડી. એન. મોદી, મ્યુનિસિપલ કમિશનર

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...