ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી 26મી જૂનના રોજ પોતાના પ્રથમ વિદેશ પ્રવાસે 6 દિવસ માટે ઈઝરાયલ જવા રવાના થયા. ઈઝરાયલ સાથે એગ્રીકલ્ચર વેસ્ટ, વોટર ટ્રીટમેન્ટ-ડી સેલીનેશન જેવા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગની તકો વિષે આ પ્રવાસમાં વિચારણાની સંભાવનાઓ હોવાનું રૂપાણીનું કહેવું છે. આ છ દિવસના પ્રવાસ દરમિયાન રૂપાણીએ સરકારનાં બે સિનિયર મંત્રીઓ, ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ગૃહ અને વહીવટી વિભાગ સિવાયનાં પોતાના વિભાગોની વહેંચણી કરીને જવાબદારી સોંપી છે.
નીતિન પટેલને ચાર્જ ન સોંપાયાનો વિવાદ ખોટો :સુરેશ મહેતા
સીએમ રૂપાણી જ્યારે 6 દિવસ વિદેશ પ્રવાસે છે ત્યારે પોતાની ગેરહાજરીમાં ઉપમુખ્યમંત્રી નીતિન પટેલને ચાર્જ સોંપવો જોઈએ પરંતુ નથી સોંપ્યો એવો એક વિવાદ ઉભો થયો છે. પરંતુ બંધારણનાં નિષ્ણાત અને પૂર્વ મૂખ્યમંત્રી સુરેશ મહેતાએ આ વિવાદને પાયાવિહીન ગણાવ્યો છે. મહેતાનું કહેવું છે કે, ઉપમુખ્યમંત્રીનું પદ બંધારણીય નથી. બીજું એ કે, મુખ્યમંત્રી ઓફીશીયલી વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે તેથી તેઓ મુખ્યમંત્રીની જવાબદારીથી અળગા થયા નથી પરિણામે કોઈને ચાર્જ સોંપવાનો બંધારણીય સવાલ ઉભો થતો જ નથી. જો મુખ્યમંત્રી વ્યક્તિગત કામે બહાર જતા હોય અથવાતો ગંભીર રીતે બિમાર હોય અને શાસનની જવાબદારી ઉપાડી શકે તેમ ન હોય તો જ અન્ય કોઈને ચાર્જ સોંપવાનો સવાલ ઉભો થાય છે. મહેતાનાં કેહવા મૂજબ ગૃહ તેમજ વહીવટી ખાતું કોઈને સોંપવું કે નહીં તે નિર્ણય કરવાનો મુખ્યમંત્રીને અબાધિત અધિકાર છે. તેથી આ મૂદ્દે કોઈ વિવાદને સ્થાન ન હોવું જોઈએ.
નીતિનભાઈ શું સંભાળશે
- શહેરી વિકાસ - ક્લાઈમેટ ચેન્જ - પ્લાનિંગ - સાયન્સ અને ટેકનોલોજી
ભૂપેન્દ્રસિંહને કયાં ખાતા
-ઉદ્યોગ - ખાણ ખનિજ - પેટ્રો કેમિકલ્સ - માહિતી પ્રસારણ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.