ગુજરાત સરકાર અને BJP સામે ભારે આક્રોશ ઉભો થવાની ભીતિ, અમિત શાહે વાઘાણી-દલસાણિયાને સોમનાથ બોલાવ્યા

divyabhaskar.com

Dec 07, 2018, 09:13 AM IST
amit shah meet waghani and dalsania at somnath about paper leak scam

ગાંધીનગર: તાજેતરમાં યોજાયેલી લોકરક્ષક દળની પરીક્ષામાં પેપર ફૂટવાની ઘટના અને તે ઘટનામાં ભાજપના નેતાઓની સંડોવણી સામે આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુરૂવારે સોમનાથના દર્શન માટે આવેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તાત્કાલિક ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી અને ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાને સોમનાથ બોલાવીને પેપર લીક મુદ્દે ઉધડો લીધો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ લોકરક્ષક દળની પરીક્ષામાં પેપર લીક કાંડના છાંટા ભાજપ પર ઉડવાથી લોકસભા ચૂંટણીમાં પક્ષને નુકસાન થાય એવી સ્થિત સર્જાઈ છે. આ ઘટનાને પગલે ભરતીમાં ઉમેદવારી કરનારા 9 લાખ જેટલાં યુવાનો અને તેમના પરીવારોમાં ગુજરાત સરકાર અને ભાજપ સામે ભારે આક્રોશ ઉભો થયો છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ સોમનાથના દર્શન કરવા આવ્યા હતા. જ્યાં તેમણે સોમનાથ મંદિરના કળશ સુવર્ણથી મઢવાની જાહેરાત કરી હતી.

ભાજપના મોટા માથાની સંડોવણી: OSS એકતા મંચ
પેપર લીક કૌભાંડના પગલે ધારાસભ્ય અલ્પેશે ઠાકોર સેના સાથે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી રેલી યોજી હતી. જેમાં OSS એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડે આરોપ લગાવતા કહ્યું કે આ કાંડમાં ભાજપના ઉત્તર ગુજરાતના મોટા માથાની સંડોવણી છે જે હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતા હેઠળ તપાસ દ્વારા બહાર લાવવી જરૂરી છે.

ફરીથી લેવાનાર પરીક્ષાની જવાબદારી વિકાસ સહાય પર
લોકરક્ષકની પરીક્ષાનું પેપર લીક થતાં સમગ્ર ભરતી રદ કરાયા બાદ આગામી 6ઠ્ઠી જાન્યુઆરીએ ફરીથી પરીક્ષા યોજવાની જાહેરાત સરકારે કરી છે ત્યારે ફરી એકવાર ભરતીની તમામ જવાબદારી સમિતિના અધ્યક્ષ વિકાસ સહાયને જ સોંપવામાં આવી છે. સહાય જ પરીક્ષાનું તમામ સંચાલન કરશે. સમિતિમાં ફેરબદલની શક્યતા સરકારે નકારી છે.

ક્રાઇમ બ્રાન્ચે પ્રીતેશ અને અજયનું રિકન્સ્ટ્રક્શન કર્યું
લોકરક્ષકદળ પેપરલીક કૌભાંડમાં અરવલ્લીમાં રેલો આવ્યો છે. ક્રાઇમ બ્રાંચે ઝડપેલા પ્રિતેશ પટેલ અને અજયસિંહ પરમારને અરવલ્લીમાં રિકન્સટ્રકશન માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં બંનેને શામળાજી-હિંમતનગર હાઇવે પર લઇ જવાયા હતા. જ્યાં ક્રાઇમ બ્રાંચે તા.30ની રાત્રીએ કઇ ગાડીમાં કેટલા શખ્સ ગયા હતા તેની વિગતો મેળવી હતી.

પ્યાદા પાછળના મોટા માથાની તપાસ કરો: અલ્પેશ ઠાકોર
પેપર લીક કૌભાંડના પડઘા રાજ્યભરમાં પડ્યા છે. ત્યારે આ મુદ્દે આ રાધનપુરના ધારાસભ્ય એવા અલ્પેશ ઠાકોરે પોતાની ઠાકોર સેના સાથે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી રેલી યોજી હતી. અલ્પેશ ઠાકોરે તપાસ યોગ્ય દિશામાં ન ચાલતી હોવાનો આક્ષેપ કરતાં ઉમેદવારોને ન્યાય અપાવવા માટે ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આ કાંડમાં પ્યાદા પાછળના મોટા માથાની તપાસ કરવાની વાત તેમણે કરી હતી.

X
amit shah meet waghani and dalsania at somnath about paper leak scam
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી