• Gujarati News
  • 61 Pc Result In 12 Std General Stream Exam In Gandhinagar

ગાંધીનગર જિલ્લામાં ધો-12 સા.પ્રવાહનું 61.84 ટકા પરિણામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એ-1 ગ્રેડમાં માત્ર 2 વિદ્યાર્થિની: જિલ્લાનાં 13,902 વિદ્યાર્થીઓ પૈકી 130 જણાંએ એ-2 ગ્રેડ મેળવ્યો
એ-2માં 130, બી-1માં 561, બી-2માં 1,225, સી-1માં 2,011 અને સી-2માં 2,545 ઉત્તીર્ણ થયા
ગાંધીનગર: ગુજરાત રાજ્ય માધ્યામિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ- 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરાયુ હતું. તેમાં ગાંધીનગર જિલ્લાનું પરિણામ 61.84 ટકા આવ્યુ છે. જેમાં ગાંધીનગર જિલ્લાનાં 13,902 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. તે પૈકી ગાંધીનગરની 2 વિદ્યાર્થિનીઓ એ-1 ગ્રેડ મેળવવામાં સફળ થઇ છે. તે પછી એ-2માં 130, બી-1માં 561, બી-2માં 1,225, સી-1માં 2,011 અને સી-2માં 2,545 ઉત્તીર્ણ થયા છે. જ્યારે ડી ગ્રેડમાં 2,099 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. ઇ-1માં 24નો સમાવેશ થાય છે. જ્યારે નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા 5,466ની છે.
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ગાંધીનગર જિલ્લાની વિવિધ શાળામાંથી કુલ 14,164 વિદ્યાર્થી નોંધાયા હતાં. તે પૈકી 13,904 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 261 જણાં ગેરહાજર રહ્યાં હતાં. આ તમામ વિદ્યાર્થીઓનું ભાવિ ખુલ્યુ હતું. જો કે પરિણામ જાણી મોટાભગના તમામ વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી.
જો કે અગાઉના વર્ષ કરતાં આ વખતે જિલ્લાનું પરિણામ 5.53 ટકા નીચુ આવ્યુ હતું. બોર્ડની વેબસાઇટ ઉપર આજે સવારે 8 વાગ્યે પરિણામ મૂકવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓ એકબીજાને શુભેચ્છા આપવા લાગ્યા હતાં. આજે જાહેર થયેલા પરિણામમાં ગાંધીનગરની કડી કેમ્પસની 2 વિદ્યાર્થિનીઓ એ-1 ગ્રેડ મેળવવામાં સફળ થઇ છે. તેમાં આર.જી પટેલ હાયર સેકન્ડરી ગર્લ્સ સ્કૂલની ઝાલા જાહ્નવી યોગેન્દ્રભાઇ ઝાલા (646) અને આર.સી પટેલ સ્કૂલની જીમી નિલેશભાઇ છાભૈયા (632)નો સમાવેશ થાય છે.

ચાંદખેડાનું સૌથી વધુ -દહેગામનું સૌથી નીચુ
ગાંધીનગર જિલ્લામાં 12 કેન્દ્રો ઉપર ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવાઇ હતી. તેમાં ચાંદખેડા કેન્દ્રનું સૌથી વધુ 76.32 અને દહેગામનું સૌથી નીચુ 38.07 ટકા પરણિામ આવ્યુ હતું. અન્ય કેન્દ્રોના પરિણામ જોઇએ તો કલોલ 61.66, માણસા 60.86, ડભોડા 67.84, ચંદ્રાલા 54.32, છાલા 52.30,અડાલજ 74.47, નાંદોલ 55.70, જીંડવા 55.78, ગાંધીનગર (ઉત્તર) 68.07 અને ગાંધીનગર (દક્ષિણ)નું 69.74 ટકા પરિણામ આવ્યુ હતું. જ્યારે ગત 2014ના પરિણામ ઉપર નજર કરીએ તો જિલ્લામાં છાલા કેન્દ્રનું સૌથી વધુ 91.27 અને કલોલનું સૌથી નીચુ 58.90 ટકા પરિણામ આવ્યુ હતું.
13902 પૈકી 5,466 વિદ્યાર્થીઓ નાપાસ થયાં
ગાંધીનગર જિલ્લાનની વિવિધ સ્કૂલોમાંથી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 14,164 વિદ્યાર્થી નોંધાયા હતાં. તે પૈકી 13,904 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 261 જણાં ગેરહાજર રહ્યાં હતાં. તેની સામે ગાંધીનગર જિલ્લાનાં ધોરણ-12 સામાન્ય પ્રવાહનાં 5,466 વિદ્યાર્થીઓને શિક્ષણ બોર્ડ દ્વારા નાપાસ જાહેર કરાયા છે. જો કે ગત વર્ષે 4096 વિદ્યર્થીઓ નાપાસ થયા હતાં.
ગત વર્ષ કરતાં આ વખતે 5.53 ટકા પરિણામ નીચુ
ગુજરાત રાજ્ય માધ્યામિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2015માં લેવાયેલી ધોરણ- 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ગાંધીનગર જિલ્લાનું પરિણામ 61.84 ટકા આવ્યુ છે. જ્યારે ગત માર્ચ 2014માં 67.37 ટકા પરિણામ આવ્યુ હતું. આમ બે વર્ષની સરખામણીએ આ વખતે જિલ્લાનું પરિણામ 5.53 ટકા નીચુ આવ્યુ હતું. જો કે સતત 3 વર્ષથી પરિણામ નીચુ આવી રહ્યું છે.જો કે ગયા વર્ષે એક પણ વિદ્યાર્થી 'એ-1’ ગ્રેડ મેળવી શક્યો ન હતો અને ચાલુ વર્ષે 2 વિદ્યાર્થિનીઓ એ-1 ગ્રેડ મેળવવામાં સફળ રહી છે.