ભ્રષ્ટાચાર પર નવી ડામર કાર્પેટ પથરાશે, માર્ગોના નવીનીકરણ માટે 48 કરોડ ખર્ચાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી આડે વધુમાં વધુ 2 મહિના આડે રહ્યાં છે. ત્યારે જ જિલ્લામાં પડેલા 153 ટકા જેવા ભારે વરસાદના પગલે રસ્તાઓની સ્થિતિ ખસ્તા હાલ થઇ છે. રોડની આજની સ્થિતિ તો ભાજપને હરાવી શકવા સમર્થ છે, તેટલો રોષ જિલ્લાવાસીઓમાં જાગ્યો છે. ત્યારે મેઘરાજાની બઘડાટીમાં ચારે તરફ રસ્તાના કામમાં ઉખડેલા ભ્રષ્ટાચાર પર નવી ડામર કાર્પેટ પાથરવાના આયોજન કરી દેવાયા છે.

જિલ્લાના ચારે તાલુકામાં પંચાયત હસ્તકના તૂટેલા માર્ગોના નવીનીકરણ કરવા પાછળ 48 કરોડના ખર્ચનો અંદાજ લગાવાયો છે. તેમાં ગાંધીનગર તાલુકામાં રૂપિયા 21.41 કરોડ, કલોલમાં 11 કરોડ, દહેગામમાં 9.46 કરોડ અને માણસા તાલુકામાં રૂપિયા 6 કરોડના ખર્ચ પ્રાથમિક અંદાજ આવ્યો છે. નાણાં ચૂકવી દેવાયા હોવા છતાં પાટનગર યોજના વિભાગે કામ કર્યુ નહીં હોવાની વાતે મેયર દ્વરા ક્યારે કેટલા નાણા ક્યા સેક્ટરના માર્ગો માટે આગોતરા ચૂકવાયા તેની વિગત સાથેનો પત્ર લખ્યા પછી વિભાગના ઇજનેરોના કાન આમળવામાં આવ્યા છે. બીજી બાજુ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના ઇજનેરી સુત્રોના જણાવવા પ્રમાણે ગ્રામ્ય રસ્તાના ઉપરોક્ત કામો માટે ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

ચોમાસુ પૂરું થતાં જ તંત્ર કામે વળગી જશે

ભારે વરસાદને કારણે રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ચોમાસુ પૂરું થતાંની સાથે પંચાયત હસ્તકના ગ્રામ્ય માર્ગોનું નવીનીકરણ શરૂ કરવામાં આવશે તેમ જિલ્લા પંચાયતની માર્ગ અને મકાન શાખાના ઇજનેરી સુત્રોએ જણાવતા ઉમેર્યું કે ચાલુ ચોમાસામાં વરસાદનો નેઠો રહ્યો નથી. પરંતુ તે પહેલા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે.

થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન-જાળવણીની શરત

રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર નિવારવા માટે થર્ડ પાર્ટી ઇન્સપેક્શનની વધારાની જોગવાઇ છેલ્લા 5 વર્ષથી કરવામાં આવે છે. જેમાં અધિકારીઓ ખાનગી પેઢીને ગુણવત્તા ચકાસણીનું કામ સોંપે છે. ઉપરાંત કોન્ટ્રાક્ટર સાથે રસ્તાની જાળવણીની શરત પણ સમય મર્યાદા સાથે મુકવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...