ગાંધીનગરની સજાવટ: સ્માર્ટ સિટી માટે પાંચ વર્ષમાં 15 અબજ ખર્ચાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : દેશના 100 શહેરને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની કેન્દ્ર સરકારની યોજનામાં સમાવેશ માટે ગાંધીનગર મહાપાલિકા દ્વારા નવેસરથી કરાયેલી દરખાસ્તમાં પ્રતિ વર્ષ 300 કરોડ લેખે 5 વર્ષ માટે 15 અબજ રૂપિયાના માળકાકીય સુવિધાના કામોનું આયોજન કરવામાં આવશે. તેમાં 500 કરોડ કેન્દ્ર સરકાર અને 500 કરોડ રાજ્ય સરકાર આપશે. જ્યારે બાકીના 500 કરોડનું વ્યવસ્થાપન મહાપાલિકા દ્વારા કરાશે અને તેના માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપનો સહારો લેવાશે. આગામી તા. 25મી જુન કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલવાની છેલ્લી તારીખ હોવાથી મહાપાલિકા અને સરકારના અધિકારીઓ ફાસ્ટ ટ્રેક પર દોડતાં થઇ ગયાં છે.

પ્રથમ તબક્કે 100 પૈકી જાહેર કરાયેલા 20 શહેરમાં ગુજરાતમાંથી અમદાવાદ અને સુરત પસંદ થયા પછી અધવચ્ચે વધુ 13 શહેરની જાહેરાત કરાઇ તેમાં ગાંધીનગર ન હતું. પરંતુ બીજા તબક્કાની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. તેમાં સામેલગીરી મેળવવા માટે ટીસીએસ અને પીડબલ્યુસી કંપની રોકીને તૈયાર કરાયેલા પ્રેઝન્ટેશન અને 35 હજાર જેટલા નગરવાસીઓના સુચનના આધારે તૈયાર કરાયેલી દરખાસ્તને સ્થાયી સમિતિ તથા મહાપાલિકાની સામાન્ય સભાએ મંજુર કરી દેતાં આ દરખાસ્ત સ્માર્ટ સિટી સંબંધે હાથ ધરાનાર તમામ કામ જેના દ્વારા થવાના છે તેવા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનને મોકલાઇ છે.
મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદીએ જણાવ્યું કે ગાંધીનગરને હવેના તબક્કામાં પ્રવેશ મેળવવાની સ્પર્ધામાં 3 શહેરનો પડકાર છે, તેમાં વડોદરા, રાજકોટ અને દાહોદનો સમાવેશ થાય છે. ગાંધીનગર માટેની દરખાસ્ત તૈયાર કરનાર કંપનીઓએ જ વડોદરા અને દાહોદની દરખાસ્ત તૈયાર કરી છે. જ્યારે રાજકોટની દરખાસ્ત આઇસીઆરએ દ્વારા તૈયાર કરાઇ છે. તેમાં ગાંધીનગર આસપાસની શૈક્ષણિક સંસ્થાઓ એમઇઆરએસ, ડીએઆઇઆઇસીટી, આઇઆઇટી, એનઆઇડી, એનઆઇએફટી, પીડીપીયુ, એલડીઆરપી, જીએનએલયુ તથા જીઇસીના તજજ્ઞો અને વિદ્યાર્થીઓ સાથે બેઠકો યોજીને તેમના સુચન પણ લેવાયા છે.
સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સહભાગીદાર થવા માટે મહાપાલિકા દ્વારા વિવિધ પાંચ બેંક સાથે સમજુતી કરાર પણ કરવામાં આવ્યા છે. તેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી બેંક, બેંક ઓફ બરોડા અને આન્ધ્ર બેંકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એનઆઇડી, એલડીઆરપી, ડીએઆઇઆઇસીટી જેવી શૈક્ષણિક સંસ્થા અને હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશન જેવી સ્વૈચ્છિક સંસ્થા સાથે પણ એમઓયુ કરવામાં આવ્યા છે. જ્યારે ટીસીએસ, એનઆઇએફટી, આઇઆઇટી અને અક્ષરધામ સહિતની સંસ્થાઓ સાથે સમજુતી કરાર કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. આ સંસ્થાઓનો વિવિધ તબક્કે સહકાર લેવાશે.

આગળ વાંચો 25મી જુન પહેલાં કેન્દ્ર સરકારનાં શહેરી વિકાસ વિભાગને દરખાસ્ત પહોંચતી કરવા અધિકારીઓની દોડ
અન્ય સમાચારો પણ છે...