તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર : જિલ્લાની 149 શાળામાં રમતનું મેદાન નથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-સસ્તા અનાજની એકપણ નવી દુકાન ખોલાઇ નથી: 46 દુકાન માટે વર્ષથી પ્રક્રિયા ચાલે છે
-જિલ્લાની 123 શાળાઓમાં પુરતા ઓરડા નથી: વિધાનસભામાં પુછાયો પ્રશ્ન

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં 627 પ્રાથમિક શાળાઓ આવેલી છે. તેમાંથી 149 શાળામાં બાળકો માટે રમત-ગમતનું મેદાન નથી અને 123 શાળાઓમાં પુરતા ઓરડા નથી. માણસાના ધારાસભ્ય અમિતભાઇ ચૌધરીએ પૂછેલા પ્રશ્નનાં જવાબમાં રાજ્યના શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે દહેગામ તાલુકામાં 221, ગાંધીનગરમાં 186, કલોલમાં 120 અને માણસા તાલુકામાં 100 શાળા છે. આ પૈકી દહેગામમાં 43, ગાંધીનગરમાં 47, કલોલમાં 34 અને માણસામાં 25 શાળાઓમાં રમત ગમતનું મેદાન નથી.

સરકાર દ્વારા આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને જેમ બને તેમ ઝડપથી પરિણામ લાવવામાં આવશે. જ્યારે દહેગામના ધારાસભ્ય કામીનીબા રાઠોડના પ્રશ્નનાં જવાબમાં જણાવ્યું છે કે ગાંધીનગરમાં 32, કલોલમાં 18, માણસામાં 28 અને દહેગામમાં 18 નિરંતર શિક્ષણ કેન્દ્રો મળીને જિલ્લામાં કુલ 96 કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે અને આગામી દિવસોમાં નવા 29 કેન્દ્રો ખોલવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

-ગાંધીનગર જિલ્લામાં વન નિર્માણ યોજનામાં બે વર્ષમાં 3.89 કરોડ ખર્ચાયા

ગાંધીનગર જિલ્લામાં સામૂહિક વન નિર્માણ યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષ દરમિયાન 3.89 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું રાજ્યના વન મંત્રીએ ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોરના પ્રશ્નનાં જવાબમાં જણાવ્યું છે. વર્ષ 2014-15 અને વર્ષ 2015-16માં આ યોજના પાછળ કેટલું વાવેતર અને ખર્ચ કરવામાં આવ્યો તેવા પ્રશ્નનાં જવાબમાં વધુમાં જણાવાયું છે કે વર્ષ 2014-15માં 340 હેક્ટર વિસ્તારમાં અને વર્ષ 2015-16માં ડિસેમબ્ર 2015 સુધીમાં 190 હેક્ટર જમીન વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યુ હતું.
-નર્સરીઓમાં 17 લાખ રોપા ઉછેરાયા

ગાંધીનગર જિલ્લાના દહેગામ, કલોલ અને માણસા તાલુકામાં આવેલી 37 નર્સરીઓમાં છેલ્લા એક વર્ષ દરમિયાન 85.42 લાખનો ખર્ચ કરીને 16.73 લાખ રોપા ઉછેરવામાં આવ્યા હોવાનું રાજ્યના વન મંત્રીએ માણસાના ધારાસભ્ય અમિતભાઇ ચૌધરીના પ્રશ્નનાં જવાબમાં જણાવ્યું છે. વિધાનસભા પ્રશ્નોતરીમાં વધુમાં જણાવ્યુ છે કે દહેગામ તાલુકામાં આવેલી 16 નર્સરીમાં 5.79 લાખ, કલોલ તાલુકામાં આવેલી 10 નર્સરીમાં 4.78 લાખ અને માણસા તાલુકામાં આવેલી 11 નર્સરીમાં 6.16 લાખ રોપા ઉચેરવામાં આવ્યા છે. તેમાં લીમડો, અરડુસો, દેશી બાવળ, પેલ્ટોફોર્મ, ગુલમહોર, કણજી, વાંસ, નીલગીરી, આસીત્રો, બોગનવેલ, સુબાવળ, ડુરન્ટા, સરગવો, ગરમાળો, બોરડી અને અન્ય ફળાઉ વૃક્ષોના રોપ ઉછેરવામાં આવ્યા છે.

-સસ્તા અનાજની 46 દુકાન ખોલવા કાર્યવાહી
જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન સસ્તા અનાજની નવી એક પણ દુકાન ખોલાઇ નથી કે માન્યતા અપાઇ નથી. તેમ માણસાના ધારાસભ્ય અમિત ચૌધરીના પ્રશ્નનાં જવાબમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રીએ જણાવ્યું હતુ કે ગ્રામ્યમાં 90, શહેરમાં 37, કલોલમાં 90, માણસામાં 66 અને દહેગામમાં 70 મળીને કુલ 353 સસ્તા અનાજની દુકાન જિલ્લામાં કાર્યરત છે. સપ્ટેમ્બર 2015 સુધીમાં જિલ્લામાં નવી દુકાનો ખોલવા અને બંધ પડેલી ચાલુ કરવાની મળીને 46 દુકાન માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમાં 164 અરજીઓ મળી છે અને નિયમાનુસારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

- 2 વર્ષમાં 22 હજારને બારકોડેડ રેશનકાર્ડ મળ્યાં
ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન માત્ર 22, 040 લોકોને બારકોડેડ રેશનકાર્ડ આપવામાં આવ્યા છે. કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના પ્રશ્નનાં જવાબમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ જણાવ્યું છે કે જિલ્લામાં રેશનકાર્ડ ધારકોની સંખ્યા 2, 49, 373 છે. તેમાં કલોલ તાલુકામાં 61, 753, ગાંધીનગરમાં 60, 083, ગાંધીનગર ઝોનલમાં 29, 515, દહેગામમાં 50, 016 અને માણસા તાલુકામાં 48, 006 રેશનકાર્ડ ધારકો છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન કલોલમાં 7, 353, ગાંધીનગરમાં 4, 191, ગાંધઈનગર ઝોનલમાં 4, 298, દહેગામમાં 2, 967 અને માણસામાં 3, 240 બારકોડેડ રેશનકાર્ડ આપવામાં આવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...