અમદાવાદથી 14 CNG રિક્ષા ચોરનાર ત્રિપુટીની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: અમદાવાદ તથા ગાંધીનગર શહેરી વિસ્તારમાંથી સીએનજી રીક્ષાઓ ચોરાઇ જવાનું પ્રમાણ કુદકેને ભુસકે વધી રહ્યુ છે. ત્યારે ગાંધીનગર એલસીબીને અમદાવાદ શહેરનાં જુદા જુદા વિસ્તારોમાંથી 14 જેટલી રીક્ષાઓ ચોરનાર 3 શખ્સોની ટોળકીને પકડવામાં સફળતા મળી છે. મહેસાણાનાં આ શખ્સે રીક્ષાને મંડાલી લઇ જઇને સ્પેર પાર્ટસ અલગ કરીને વેચી દેતા હતા. ત્યારે ગાંધીનગર-કોલવડા માર્ગ પરથી આ શખ્સોને રીક્ષામાં સ્પેરપાર્ટસ સાથે ઝડપી લઇને 7 રીક્ષાઓ તથા સ્પેરપાર્ટસ સહીત રૂ. 3.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ વિસ્તારમાંથી વાહનચોર ગંેંગ ઝડપાઈ જતા હવે પોલીસ અન્ય વાહનચોરીની પણ તપાસ કરશે.

 

ગાંધીનગર-કોલવડા માર્ગ પરથી  સ્પેરપાર્ટસ સાથે ઝડપી લીધા: રૂ. 3.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

 

ગાંધીનગર એલસીબી પીઆઇ જે ડી પુરોહીતે જણાવ્યુ હતુ કે વાહન ચોરીનાં વધી રહેલા બનાવો અટકાવવા જિલ્લા પોલીસ વડાની સુચનાથી એલસીબી દ્વારા આ દિશામાં ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. એલસીબી પીએસઆઇ યુ આર નલવાયા તેમની ટીમનાં જવાનો રણજીતસિંહ, રાજેન્દ્રસિંહ,ભૌમિકકુમારને સાથે રાખીને પેટ્રોલીગમાં હતા. ત્યારે ગાંધીનગરનાં કોલવડાથી ક-6 સર્કલ તરફ આવી રહેલી રીક્ષા નં જીજે 18 એવાય 5555માં ત્રણ શખ્સો ચોરીની રીક્ષાનાં સ્પેરપાર્ટસ લઇને જતા હોવાની બાતમી હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહને મળી હતી.


જેના આધારે વોચ ગોઠવીને સુજાદખાન ડોસુખાન પઠાણ (રહે મંડાલી, તા કડી, જી મહેસાણા), વસીમખાન મહેબુબખાન પઠાણ(રહે મંડાલી સીમ, જી મહેસાણા) તથા ઉમરાવખાન ઉર્ફે જાડીયો સમતખાન બલોચ(રહે બુડાસણ, જી મહેસાણા)ને રીક્ષા સાથે દબોચી લીધા હતા. રીક્ષામા મુકેલા મીણીયાનાં થેલામાં તપાસ કરતા રીક્ષાઓનાં એન્જીનનાં સ્પેરપાર્ટસ મળી આવ્યા હતા. તેમની પુછપરછ કરતા સ્પેરપાર્ટ રીક્ષાનાં હોવાની કબુલાત કરી હતી.


આ શખ્સોએ અમદાવાદમાં શાહપુર શાહવજુદીન મસ્જીદ, વાડીલાલ હોસ્પીટલ, ઇન્ટકમટેક્ષવિસ્તાર, કમિશનર ઓફિસ પાછળની મસ્જીદ, સિવિલ હોસ્પીટલ કમ્પાઉન્ડ સહીતનાં વિસ્તારમાંથી કુલ 14 રીક્ષાઓ ચોરી હોવાની કબુલાત કરી હતી.

 

વસીમખાન રીક્ષા કારીગર, 7 રીક્ષાના સ્પેરપાર્ટ મળ્યા

 

એલસીબી પીઆઇ જે ડી પુરોહીતે આરોપીઓની કબુલાત આધારે ટીમને મંડાલી વસીમખાનને ત્યાં મોકલતા 7 રીક્ષાઓ તથા રીક્ષાઓનાં સ્પેરપાર્ટસ મળીને કુલ રૂ. 3,28,500નો ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. વસીમખાન સીએનજી રીક્ષાનો જુનો કારીગર હોવાથી કયા સ્પેરપાર્ટની કેટલી કિંમત મળે તથા કયાં વેચી શકાત તે સારી રીતે જાણતો હતો.

 

વસીમને નકલી નોટો કેસમાં 10 વર્ષની સજા પડી હતી, ન સુધર્યો


આરોપી વસીમખાન રીઢો ગુનેગાર છે. વર્ષ 2003માં અમદાવાદ એટીએસમાં તથા કલોલમાં નકલી નોટોનાં કેસમાં પકડાયો હતો અને 10 વર્ષની સજા પણ પડી હતી. ત્યાર બાદ ફરી પાટણનાં વાગદોડ પોલીસ સ્ટેશનમાં નકલી નોટો કેસમાં પકડાયો હતો. કડીમાં પણ ગેરકાયદે હથીયાર (તમંચો) રાખવાનાં ગુનામાં પકડાયો હતો.

 

એન્જીન નંબર લખેલા ભાગને લોખંડથી ટીંચી નાંખતા હતા

 

એલસીબી દ્વારા જે રીક્ષામાંથી આ શખ્સોને પકડવામાં આવ્યા તે પણ ચોરીની હતી. અમદાવાદ સિવિલ હોસ્પીટલથી ચોરેલી આ રીક્ષાનો સાચો નંબર જીજે 1 સીઝેડ 6351 હતો, જે પણ બદલાવી નાંખ્યો હતો. જયારે થેલામાંથી સ્પેર પાર્ટ મળ્યા તેનાં એન્જીન સેચીંગ નંબર પર લોખંડથી ટીંચી નાંખ્યા હતા. જેથી આર રીક્ષાનું પકડાય તો પણ કોની છે તે પોલીસને ખબર ન પડે.

અન્ય સમાચારો પણ છે...