ભાજપ તરફથી રાજ્યની મહિલાઓને રક્ષાબંધનની ભેટગાંધીનગર: ભાજપની પ્રદેશ કારોબારીમાં રક્ષાબંધનને લક્ષ્યમાં રાખીને 3 કાર્યક્રમોનો નિર્ણય લેવાયો છે. જેમાં એવું નક્કી કરાયું છે કે રાજ્યના દરેક વિધાનસભા ક્ષેત્ર દીઠ 11 હજાર મહિલાઓને ભાજપ દ્વારા વીમાનું સુરક્ષા કવચ અપાશેે.પાર્ટીના પ્રદેશ પ્રવક્તા આઈ. કે. જાડેજાએ જણાવ્યું છે કે પ્રદેશ બેઠકમાં પાર્ટીના ઉપાધ્યક્ષ કૌશિક પટેલે રક્ષાબંધન નિમિત્તે યોજાનારા ત્રિવિધ કાર્યક્રમોથી સૌને માહિતગાર કર્યા હતા. જેમાં વડાપ્રધાન મોદીને રાજ્યભરમાંથી રાખડી મોકલવાનો કાર્યક્રમ, મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ દ્વારા રાખડી મોકલવાનો કાર્યક્રમ અને રાજ્યની જરૂરિયાતમંદ મહિલાઓને વીમાનું સુરક્ષાકવચ આપવાનો કાર્યક્રમ સામેલ છે. આ અંગે તેમણે વધુ ઉમેર્યું હતું કે ખાસ કરીને જેના બાળકો આંગણવાડીમાં,સરકારી શાળામાં ભણે છે તેવી મહિલાઓને આ સુરક્ષાકવચના લાભ મળશે. જો આવી આર્થિક રીતે નબળી મહિલાઓનું જો બેન્કમાં ખાતુ ન હોય તો જનધન યોજના અંતર્ગત તેનું બેન્કમાં ખાતુ ખોલાવી વીમા યોજનાનો લાભ અપાશે. જેની જવાબદારી ભાજપના વિધાનસભ્યને અને જ્યાં ભાજપનો ધારાસભ્ય ન હોય ત્યાં સાંસદની રહેશે.