ગાંધીનગર : હરાજીમાં હજાર મીટરનો પ્લોટ 11.12 કરોડમાં વેચાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-આવક: સેક્ટર 11માં વાણિજ્ય હેતુનાં એક પ્લોટની ઓનલાઇન બોલી 2 લાખની નજીક પહોંચી ગયા પછી અટકી ગઇ
-નગરમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિમાં કિટલીઓ પર હરાજીની ચર્ચાઓ સાંભળવા ન મળી

ગાંધીનગર : નગરમાં સેક્ટર વિસ્તારના પ્લોટની ઓનલાઇન હરાજીની પ્રક્રિયા મંગળવારે નિર્વિઘ્ને પાર પાડવામાં આવી હતી. આ દરમિયાન વાણિજ્યના હેતુનાં 1 હજાર ચોરસમીટરના એક પ્લોટનાં 11.12 કરોડ ઉપજ્યા હતાં. જ્યારે અન્ય એક નાના પ્લોટની બોલી પ્રતિ મીટરનાં 2 લાખની નજીક પહોંચી ગયા પછી અટકી હતી. ઉલ્લેખનિય રહેશે કે ગત મહિનામાં યોજાયેલી પ્રથમ હરાજીમાં આ સેક્ટરમાં જ નાના પ્લોટની હરાજીમાં પ્રતિ મીટરનાં 2.48 લાખ પર પહોંચ્યા હતાં. જો કે ગત વખતે 52 પ્લોટની હરાજી રદ અને 14 પ્લોટની હરાજી નામંજૂર રહ્યાં પછી આ વખતે અરજદારોની સંખ્યા જ ઘટી ગઇ હતી.

પ્લોટની હરાજીના મુદ્દે પ્રાંત અધિકારી રાકેશ વ્યાસે જણાવ્યું કે હરાજીમાં અરજદારો તરફથી બોલી બોલવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે, હવે તેની ચકાસણી શરૂ કરાઇ છે. આ વખતની હરાજીમાં કોઇ રીંગ થવાની શક્યતા પહેલેથી રહેવા દેવામાં આવી ન હતી. આમ છતાં દરેક પ્લોટની હરાજી દરમિયાન બોલાયેલી બોલી અને આખરી બોલી સહિતની બાબતોની રાબેતા મુજબ કુલ આવક સહિતના પાસાને ધ્યાને રાખીને કરવામાં આવશે અને ત્યાર બાદ સમગ્ર પ્રક્રિયાનો વિગતવારનો રિપોર્ટ કલેક્ટરને સુપરત કરવામાં આવશે. રિપોર્ટના આધારે કલેક્ટર દ્વારા હરાજીને આખરી કરવામાં આવશે.

સેક્ટર 11, 6 અને 22માં વાણિજ્ય હેતુના પ્લોટ માટે શહેરમાં વિશેષ ચર્ચા ચાલી હતી. જાણવા મળ્યા પ્રમાણે સેક્ટર 11માં એક પ્લોટની હરાજીમાં 2 લાખ પ્રતિ ચોરસમીટરની બોલી બોલાઇ હતી. જ્યારે પ્લોટ નંબર 2ની બોલી 1.09લાખ પર પહોંચી હતી. પ્લોટ નંબર 3માં 1.10 લાખ અને પ્લોટ નંબર 23માં 1.11 લાખ બોલાયા હતાં. આ ત્રણે પ્લોટ 1 હજાર ચોરસ મીટરના હતાં. જ્યારે 646 મીટરના પ્લોટ નંબર 743ની બોલી 64 હજાર પર પહોંચી હતી. સેક્ટર 6માં ડોક્ટર હાઉસ માટેના 840 મીટરના પ્લોટમાં ચોરસ મીટરના 80 હજાર, 1283 ચોરસ મીટરના પ્લોટમાં 86 હજાર અને 1285 ચોરસ મીટરના પ્લોટમાં 68 હજાર પર બોલી પહોંચી હતી. બીજી બાજુ સેક્ટર 22માં 1020 ચોરસ મીટરના પ્લોટમાં 63 હજાર, 700 ચોરસ મીટરના પ્લોટમાં 80 હજાર અને 1391 ચોરસ મીટરના પ્લોટમાં 63 હજાર ભાવ પ્રતિ ચોરસ મીટરના બોલાયા હતાં.

69 પ્લોટમાંથી માત્ર 33 પ્લોટની હરાજી થઇ

પ્રાંત અધિકારીનાં જણાવવા પ્રમાણે નવેસરથી યોજવામાં આવેલી ઓનલાઇન હરાજીમાં 69 પ્લોટ મુકવામાં આવ્યા તેમાંથી મંગળવારે 33 પ્લોટમાં હરાજીની પ્રક્રિયા કરવામાં આવી હતી. આ સિવાયના પ્લોટ સ્વાભાવિક રીતે હરાજીમાંથી રદ કરવામાં આવ્યા હતાં. જેની હરાજી કરવા માટે સરકારની મંજૂરી માગવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...