ગાંધીનગર: ગુજરાતને વર્ષ 2022 સુધીમાં મેલેરિયા મુકત કરવા માટે 108ની જેમ ‘ફીવર હેલ્પ લાઇન 104’ની હેલ્પલાઇનની સેવા એપ્રિલ-2017થી શરૂ કરાશે તેવી જાહેરાત રાજયકક્ષાના આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ બુધવારે વિધાનસભા ગૃહમાં કરી હતી. તેમણે કહ્યું કે દર્દી ફોન કરશે એટલે તેમના ઘરે એમ્બ્યુલન્સ મારફત સુવિધા પહોંચાડવામાં આવશે તેવી ખાતરી મંત્રી ચૌધરીએ ઉચ્ચારી હતી. મંત્રી ચૌધરીએ એવી ખાતરી ઉચ્ચારી હતી કે રાજયના આગામી પાંચ વર્ષ એટલે કે 2022 સુધીમાં મેલેરિયા મુકત કરવા માટે આ એક મહત્વનું પગલું સાબિત થશે.
તેમણે કહ્યું હતું કે ગુજરાતના કોઇપણ વિસ્તારમાંથી દર્દી કે તેના સંબંધીઓ 104 પર ફોન કરશે તો ત્યાં તેને સારવાર ઉપલબ્ધ કરાવાશે. ઉપરાંત જરૂર જણાય તો હોસ્પિટલાઇઝ કરવા માટે એમ્બ્યુલન્સ પણ મોકલવામાં આવશે. મંત્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે રાજયમાં મેલેરિયાના દર્દીઓને વિનામુલ્યે સારવાર આપવા માટે સરકાર કટિબધ્ધ છે. આ મુદ્દે આરોગ્ય કમિશ્નર જે.પી.ગુપ્તાનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે 104ની હેલ્પલાઇન સુવિધા એપ્રિલ-2017થી શરૂ કરાશે.