તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગરમાં 15 દી’માં ડેન્ગ્યુના 10 પોઝિટિવ કેસ: આરોગ્ય તંત્રને એલર્ટ રહેવા તાકિદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : ગાંધીનગર શહેરમાં ડેન્ગ્યૂ અને મચ્છરજન્ય રોગચાળાનો વાવર શરૂ થયો છે. છેલ્લા એક મહિનાથી ડેન્ગ્યૂના છૂટાછવાયા કેસ મળી આવ્યા બાદ 15 દિવસથી એકાએક દર્દીઓમાં ઉછાળો આવ્યો છે. પ્રતિદિન 2થી 3 કેસ પેથોલોજી લેબોરેટરીમાં નોધાઇ રહ્યાં છે. તાજેતરના 15 દિવસ દરમિયાન શહેર અને જિલ્લામાં ડેન્ગ્યૂના 10થી વધુ પોઝીટીવ કેસ બહાર આવ્યા છે. તે ઉપરાંત ચાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ મચ્છરજન્ય અને વાયર ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં એકાએક ઉછાળો આવ્યો છે. જો કે સત્તાવાળાઓ આ અંગે કોઇ ફોડ પાડવા તૈયાર નથી.
મેલેરિયા, સ્વાઇન ફ્લ્યૂ, કમળો,વાઇરલ ઇન્ફેક્શનના કેસમાં ઉછાળો આવે તેવી દહેશત

હાલમાં પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યૂના 4થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. જ્યારે ડબલ ઋતુ અને વાદળછાયા વાતાવરણના કારણે વાઇરલ ઇન્ફેક્શનના દર્દીઓ ઓપીડીમાં મોટી સંખ્યામાં જોવા મળી રહ્યાં છે. પ્રવર્તમાન વાતાવરણના કારણે જિલ્લામાં ડેન્ગ્યૂ, મેલેરિયા, કમળો અને વાઇરલ ઇન્ફેક્શનના કેસમાં ઉછાળો આવે તેવી દહેશત દહેશત વર્તાઇ રહી છે. તેના પગલે રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લા આરોગ્ય તંત્રને એલર્ટ રહેવા આદેશ કર્યો છે.

જિલ્લો ડેન્ગ્યૂના ભરડામાં સપડાય તેવી દહેશત: હોસ્પિટલોમાં દર્દીઓ વધ્યા

શહેરના ખાનગી તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગર શહેર ઉપરાંત કલોલ શહેર અને તાલુકાના ઔદ્યોગિક વિસ્તારોમાં ડેન્ગ્યૂ પગપેસારો કરી રહ્યો છે. જો કે ગાંધીનગર શહેરના મોટા ભાગના દર્દીઓ શહેરની ખાનગી હોસ્પિટલમાં અને અમદાવાદની હોસ્પિટલોમાં સારવાર માટે જઇ રહ્યાં છે. જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ ગાંધીનગર સિવિલમાં સારવાર માટે આવી રહ્યાં છે. આ ઉપરાંત તાલુકા કક્ષાની નાની હોસ્પિટલોમાં પણ ડેન્ગ્યૂના છૂટાછવાયા કેસ નોંધાઇ રહ્યાં છે. તે જોતા ખાનગી તબીબો એવી શંકા વ્યક્ત કરી રહ્યાં છે કે તકેદારીના પગલા નહીં ભરાયતો અમદાવાદની જેમ ડેન્ગ્યૂના કેસમાં એકાએક ઉછાળો આવે તેવો અણસાર વર્તાઇ રહ્યો છે.

ડેન્ગ્યૂના લક્ષણો

એડીશ ઇજીપ્તાઇ નામનો મચ્છર કરડવાથી તંદુરસ્ત વ્યક્તિ ડેન્ગ્યૂનો શિકાર બને છે. તબીબી સુત્રોના જણાવ્યા અનુસાર સામાન્ય તાવ આવવો, આંખ લાલ થવી, હાથ-પગમાં કળતર અને શરીર ઉપર લાલ ચકામા પડવા જેવા ડેન્ગ્યૂના લક્ષણો દર્દીમાં જોવા મળે છે. લોહીમાં પ્લેટલેટનું પ્રમાણ ઓછુ થઇ જાય છે. ડેન્ગ્યૂ ફેલાવતા એડીશ મચ્છર વધુ ઉડી શકતો નથી, પરંતુ કાર જેવા વાહનો અને સામાનમાં એક શહેરમાંથી બીજા શહેરમાં માઇગ્રેટ થતા હોય છે. અમદાવાદના મચ્છરો ગાંધીનગરમાં આવી શકે છે.
અન્ય સમાચારો પણ છે...