• Gujarati News
  • સ્વર્ણિમ પાર્ક અને સેક્ટર 1 તળાવની ફૂડકોર્ટને ચઢી ધૂળ

સ્વર્ણિમ પાર્ક અને સેક્ટર-1 તળાવની ફૂડકોર્ટને ચઢી ધૂળ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરવાસીઓમાટે ફરવાના સ્થળ તરીકે ખ્યાતિ પામી ચૂકેલા સ્વર્ણિમ પાર્ક અને સેક્ટર-1ના તળાવના સ્થળે ફૂડકોર્ટ તૈયાર થઇ ગયા પછી એક વર્ષ જેટલો સમય પસાર થઇ જવા છતાં દુકાનો ફાળવણી કરવામાં આવી નથી. પરિણામે અહીં આવતા મુલાકાતીઓને ખાસ કરીને બાળકોના કિસ્સામાં વ્યાપક હાલાકી વેઠવાની આવે છે. જો કે બીજી બાજુ લવ પોઇન્ટ તરીકે ખ્યાતિ પામી ચુકેલા સરિતા ઉદ્યાનમાં બંધ પડેલી કેન્ટિન ચાલુ કરાવવા માટે પાટનગર યોજના વિભાગ તરફથી ખાનગી પેઢીઓ પાસેથી ભાવ મગાવાયા છે.

સ્વર્ણિમ પાર્ક તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સ્વપ્નીલ યોજના મહાત્મા મંદિરનો એક ભાગ છે. તેનું મોટા ભાગનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. પ્રથમ તબક્કાના ભાગમાં તો ફૂડકોર્ટ માટેની 12 દુકાનો તૈયાર કરી દેવાઇ તેને એક વર્ષ પસાર થઇ ગયું છે. તેવી રીતે શહેરની ભાગોળે માર્ગ પર આવેલા સેક્ટર-1ના તળાવને પિકનીક પોઇન્ટ તરીકે વિકસાવવામાં આવ્યું છે. જેનું ખાત મુહૂર્ત જે તે સમયે દેશના નાયબ વડાપ્રધાન એલ કે અડવાણીએ કર્યું હતું. તળાવનું કામ પણ લાબા સમયથી પૂર્ણ થઇ ગયું છે. અહીં પણ મુલાકાતીઓની સાનુકૂળતા માટે પાંચ દુકાન સાથેની ફૂડકોર્ટ બનાવવામાં આવી છે. ગાંધીનગરમાં પણ દરેક માળખાકીય સુવિધાના કામ સરકારી ધોરણે થતાં હોવાથી અને કામ થઇ ગયા પછી તેનો વહીવટ સરકારી ધોરણે થતો હોવાથી લોકોને ખરા અર્થમાં સુવિધા મળે ત્યાં સુધીમાં સ્થળ પર ધૂળ અને ઢેફા થઇ જવાની પરંપરા અહીં પણ જળવાઇ રહે છે. ઘ-5 સર્કલ પાસેની રાજ્યની સર્વ પ્રથમ 96 દુકાન સાથેની ફૂડકોર્ટના કિસ્સામાં પણ આમ થયું હતુ. આજે પણ અહીં ઘણી દુકાન ફાળવણીના અભાવે ખંડેર થવાની દિશામાં આવી ગઇ છે. હવે સ્વર્ણિમ પાર્ક અને સેક્ટર-1ના તળાવની મીની ફૂડકોર્ટના કિસ્સામાં તેનું પુનરાવર્તન થવાના અણસાર મળી રહ્યાં છે.

સ્વર્ણિમ ફાઉન્ટેન સપ્તાહ સુધી બંધ રહેશે

સ્વર્ણિમપાર્કમાંલગાડવામાં આવેલા મ્યુઝિકલ ફાઉન્ટેને નગરવાસીઓનાં દિલ જીતી લીધા છે. દરરોજ સેંકડોની સંખ્યામાં વસાહતીઓ અહીં ઉમટી પડે છે. ત્યારે જાળવણીની કામગીરી માટે ફૂવારા એક સપ્તાહ માટે બાંધ કરવામાં આવ્યા છે. ત્યાર બાદ દરરોજ 2ના બદલે ઉનાળાની મોસમને ધ્યાને રાખીને 3 શો યોજવા માટેનું આયોજન પણ કરાયું છે.