• Gujarati News
  • ફટાકડાનાં ભાવ 30 ટકા વધ્યા, ખરીદીમાં મંદી

ફટાકડાનાં ભાવ 30 ટકા વધ્યા, ખરીદીમાં મંદી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવાળીનાંપર્વને લઇને ગાંધીનગર શહેરનાં સેકટર 6માં ફટાકડાનાં 100 જેટલા સ્ટોલ લાગી ગયા છે. પરંતુ ફટાકડાનાં વધી રહેલા ભાવનાં પગલે ખરીદીમાં ઘટાડો નોંધાયો છે. ફટાકડા બજારમાં મંદીનાં માહોલનાં કારણે ગાંધીનગરનાં વેપારીઓમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો સેકટર 21નાં વેપારીઓમાં સ્ટોલનું સ્થળ ખસેડવાનો લઇને પણ અસંતોષ છે.

મર્યાદિત આવક તથા મોઘવારી વચ્ચે વધજા જતા ખર્ચાઓ વચ્ચે નાના તથા મધ્યમ વર્ગનો આમ આદમી વધારાનાં કોઇ પણ ખર્ચા કરવા તૈયાર નથી. આવકની મર્યાદા તથા મોંઘવારી વચ્ચે તહેવારોનો ઉત્સાહ પણ ફિક્કો પડી રહ્યો છે.

જેની અસર બજારમાં પણ જોવા મળી છે. જેમાં ખાસ કરીને ગાંધીનગર શહેરમાં દિવાળીનો માહોલ જામતો નથી.

ફટાકડા બજારમાં વેપારીઓએ મોંઘા ભાવનાં ફટાકડા તો ખરીદી લીધા પણ વેચાણમાં મંદીનાં કારણે ભારોભાર પસ્તાવો જોવા મળી રહ્યો છે. શહેરનાં સેકટર 6માં ફટાકડાનાં 100 જેટલા સ્ટોલ વેપારીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે. ફટાકડા બજારમાં સ્ટોલ ધરાવનાર વેપારી મનોજભાઇ પટણીનાં જણાવ્યાનુંસાર ગાંધીનગરમાં દર વર્ષે બારસ-તેરશનાં દિવસોમાં ફટાકડાની ખરીદી જામતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જેનું એક કારણ મોંઘવારી પણ હોઇ શકે. ફટાકડાના ભાવમાં વર્ષો વરસ ધરખમ ભાવ વધારો થતો રહે છે. ચાલુ વર્ષે પણ ગત વર્ષની સરખામણીમાં 30 ટકાનો ભાવ વધારો ઝીંકાતા ફટાકડાનાં વેપારી તથા નાગરીકોને ઝટકો લાગ્યો છે. જો આજકાલ યોગ્ય ખરીદી નહી નિકળે તો વેપારીઓએ રોવાનો વારો આવશે.

ગાંધીનગરમાં ફટાકડા બજારમાં મંદીનાં માહોલ વચ્ચે ગ્રાહકોની રાહ જોતા ફટાકડાનાં વેપારીઓ. / કલ્પેશભટ્ટ