• Gujarati News
  • દશેલાની અવદશા,‘સ્વચ્છ ભારતનું અભિયાન’ સાર્થક થશે?

દશેલાની અવદશા,‘સ્વચ્છ ભારતનું અભિયાન’ સાર્થક થશે?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાનદ્વારા દેશભરમાં ગંદકી સાફ કરવા સ્વચ્છ ભારત અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. ત્યારે બીજી તરફ ગાંધીનગર જિલ્લાનાં મોટા ભાગનાં ગામડાઓમાં નર્કાગારની સ્થિતિ જોવા મળી રહે છે. જેમાં ગાંધીનગર તાલુકાનાં દશેલા ગામનાં તળાવમાં ખદબદતી ગંદકી વચ્ચે ગ્રામજનોનાં આરોગ્ય પર જોખમ તોળાઇ રહ્યુ છે.

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શહેરી કક્ષાએ તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતી ગંદકી બાબતે ભારો ભાર બેદરકારી સેવવામાં આવી રહી છે. ગત વર્ષોમાં સરકાર દ્વાર નિર્મળ ગુજરાત અંતર્ગત રાજ્યની ગ્રામ પંચાયતોને કેટલાંક મહત્વનાં સુચનો કરવામાં આવ્યા હતા. જેમાં ગામને સ્વચ્છ બનાવવા કચરાના નિકાલથી માંડીને ગામનાં ઉકરડાઓ ગામની બહાર કરાવવા આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ તેની અમલવારીમાં તદન લોટ પાણીને લાકડાની સ્થિતિ જોવા મળી હતી.

ગાંધીનગર જિલ્લાનાં કેટલાંક ગામડાઓમાં ગંદકી ગઢ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં સાંસદ પરેશ રાવલ દ્વારા જાખોરા-રાજપુર ગામ દતક લઇને ગામને સ્વચ્છ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે જાખોરા પાસેનું દશેલા ગામ અસહ્ય ગંદકીને લઇને ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે. ચિલોડા સાદરા માર્ગ પર આવેલા દશેલા ગામની મધ્યમાંથી પસાર થતા માર્ગ પરથી પસાર થતા ગામની ગંદકીનાં દર્શન થાય છે. ગામની મધ્યમાં આવેલું ગટરીયા પાણી તથા વરસાદી પાણીથી મિશ્રીત તળાવમાં ઠલવાતા કચરાનાં કારણે એક સમયે ગામની શોભા ગણાતું તળાવ ગંદકીનાં કારણે ગ્રામજનોનાં આરોગ્ય માટે જોખમી બની ગયુ છે. ગામની વચ્ચોવચ માર્ગોની આસપાસ ખડકાયેલા પશુઓનાં મળ-મુળનાં ઉકરડાઓ પણ જોખમી બની રહ્યા છે. આટલુ નહી ગામનાં જાહેર આરોગ્ય કેન્દ્ર તથા ગ્રામ પંચાયતનાં ગેટના બહાર સંખ્યા બંધ ઉકરડાઓ જોવા મળી રહ્યા છે. ગ્રામજનો જે ગંદકી વચ્ચે જીવી રહ્યા છે તે ગામમાંથી પસાર થતા દરેક નાગરીક સરળતાથી જોઇ શકે છે. પરંતુ જવાબદાર તંત્રને નાગરીકોનાં આરોગ્ય માટે જોખમી ગંદકી દેખાતી નથી.

ગાંધીનગરનું દશેલા ગામ સ્વચ્છતા અભિયાન વચ્ચે પણ અસહ્ય ગંકદી વચ્ચે ઝઝુમી રહ્યુ છે. દશેલા ગામનાં તળાવમાં ખદબદતી ગંદકી વચ્ચે ગ્રામજનોનાં આરોગ્ય પર જોખમ તોળાઇ રહ્યુ છે. તસ્વીર કલ્પેશ ભટ્