• Gujarati News
  • 6 And More Cr Rupees Granted For Gandhinagar Area Road Underpass

ગાંધીનગર : ઘ, ચ અને ગ માર્ગ પર અન્ડરપાસ માટે 6.21 કરોડના ખર્ચને લીલીઝંડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાત્મા મંદિર પ્રોજેક્ટ અંતર્ગતનો ગાંધી ગાર્ડન આ ત્રણ બ્રિજના કારણે વિધાનસભાથી દાંડી કુટિરને જોડી દેશે

ગાંધીનગર : મહાત્મા મંદિર સંકુલનું કામ યુદ્ધના ધોરણે ચલાવાઇ રહ્યું છે અને તેને ગાંધી મ્યુઝિયમ એટલે કે દાંડી કુટિર સાથે જોડતા કેબલ સ્ટેડ બ્રિજનું કામ શરૂ કરી દેવાયું છે. ત્યારે હવે આ યોજના અંતર્ગત શહેરના બન્ને મુખ્ય માર્ગ ઘ અને ચ રોડ ઉપરાંત ગ રોડ પર 4 નંબરના સર્કલ પર અન્ડર પાસ બનાવવાની યોજના હાથ ધરવામાં આવનાર છે. રાજ્ય સરકારે માર્ગ અને મકાન વિભાગના બજેટમાં આ વખતે આ કામગીરી માટે ~ 6.21 કરોડના ખર્ચની જોગવાઇ કરવામાં આવી છે.

શહેરના રસ્તાના મુદ્દે છેલ્લા દોઢ દાયકા દરમિયાન પાટનગર યોજના વિભાગ દ્વારા પાટનગરને અન્ય શહેરોની સરખામણીએ અગ્ર હરોળમાં મુકી દેવામાં આવ્યું છે. હાલની સ્થિતિ એવી છે. કે રાજ્યમાં એક માત્ર ગાંધીનગરમાં શહેરમાં આવેલા તમામ માર્ગ ઓછામાં ઓછા ચારલેન જેટલા પહોળા છે. તેમાં પણ ઘ અને ચ રોડને સિક્સ લેન કરી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ખ રોડને સિક્સલેન કરવાનું કામ શરૂ થવાનું છે. બીજી બાજુ ગ અને ક રોડને સિક્સલેનમાં ફેરવવાની સૈદ્ધાંતિક મંજુરી સરકાર તરફથી આપી દેવામાં આવી છે.

હવે મહાત્મા મંદિર પ્રોજેક્ટની ડિઝાઇન પ્રમાણે આગળ વધવા માટે મુખ્ય ત્રમ માર્ગ પર અન્ડર પાસ બનાવવામાં આવશે. ઘ, ચ અને ગ રોડ પર 4 નંબરના સર્કલ પર અન્ડર પાસ બનાવવા પાછળ તેની ઉપર બગીચો બનાવવાનું છે. પરિણામે માર્ગની ઉપર બગીચો હોય તેવું રાજ્યનું એકમાત્ર શહેર પણ ગાંધીનગર બની જશે. આમ કરવાથી ચિવાલય-વિધાનસભાથી શરૂ થયેલો ગાંધી ગાર્ડન છેક દાંડી કુટિર મતલબ કે ગાંધી મ્યુઝિયમને જોડી દેશે. જે સળંગ બગીચો સ્વર્ણિમ પાર્કમાં જોડાઇ જવાથી સમગ્ર નજારો બદલાઇ જશે. આ ડિઝાઇન અમેરિકાના વ્હાઇટ હાઉસ અને દિલ્હીનાં બાંધકામોનો આધાર લઇને તૈયાર કરવામાં આવી છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પસંદ કરેલી છે.

માર્ગ નંબર 1, 2, 3 અને 4ને વધુ પહોળા કરાશે

પાટનગરમાં વસ્તી અને વાહન બન્નેની સંખ્યામાં મોટો વધારો થયો છે અને આ પ્રક્રિયા સતત ચાલી રહી છે. પરિણામે શહેરના આડા માર્ગ પૈકીના માર્ગ નંબર 1, 2, 3 અને 4ને આગામી દિવસોમાં વધુ પહોળા કરવાનું અનિવાર્ય બની ગયું છે. તેના માટેના શક્યતાદર્શી અહેવાલ સહિતની વહીવટી કામગીરી કરવા માટે પણ બજેટમાં ~ 10 લાખના ખર્ચની પ્રાથમિક જોગવાિ કરી દેવામાં આવી હોવાથી પાટનગર યોજના વિભાગ દ્વારા તેના પર કામ શરૂ કરવામાં આવનાર છે.