ગ્રામિણ પાણી યોજનાનાં ૩૮ કરોડનાં કામને મંજૂરી અપાઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોક ભાગીદારીથી ગામડાઓમાં પીવાનાં પાણીનું વ્યવસ્થાપન કરવા માટેની સેક્ટર રિફોર્મ યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો માટે રૂ. ૩૭.૮૧ કરોડના ખર્ચના કામોને મંજુરી આપવામાં આવી હતી. કલેક્ટર પી સ્વરૂપે જણાવ્યું કે, આ યોજના અંતર્ગત રાજ્ય કક્ષાએ યોજાતી પાણી સમિતિ પુરસ્કાર સ્પર્ધામાં માણસા તાલુકાએ મેદાન માર્યું છે. અહીંના ૨ ગામના ભાગે ૩ તથા કલોલ તાલુકામાં ૧ ઇનામ આવ્યું છે.

ગાંધીનગર જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક મંગળવારે કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી હતી. તેમાં ઉપરોક્ત જાહેરાત કરવાની સાથે હાથ ધરાયેલા તથા હાથ પર લેવાના કામની સમીક્ષા પણ કરવામાં આવી હતી. સાથે જ ૨૪૬ ગ્રામ સમિતિઓને રૂ. ૩૭.૮૧ કરોડના ખર્ચના કામ માટે વહીવટી મંજુરી આપવામાં આવી હતી.

કલેક્ટરે ઉપસ્થિત અધિકારી અને પાણી સમિતિઓના પદાધિકારીઓને કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૩-૧૪માં ખર્ચના ૧૦ ટકા રકમ ગ્રામ સમિતિ દ્વારા ભરીને તમામ ગામના કામ પૂર્ણ કરવાનો લક્ષાંક રાખવાનો છે. વધુમાં જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પીવાના શદ્ધિ પાણીની તથા શાળાઓના શૌચાલયમાં વાપરવાના પાણીની વ્યવસ્થા કરવાનું આ યોજના અંતર્ગત ખાસ સુનિ‌શ્ચિ‌ત કરવા કહેવામાં આવ્યું છે.

કલેક્ટરે જણાવ્યું કે, વાસ્મો દ્વારા યોજવામાં આવતી પાણી સમિતિ પુરસ્કાર સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે માણસા તાલુકાના મોતીપુરા-વેડા, બીજા ક્રમે ઇશ્વરપુરા-બદપુરા અને ત્રીજા ક્રમે કલોલતાલુકાના પ્રતાપપુરા-બાલવા ગામની પાણી સમિતિ આવી છે. જ્યારે ઝોન કક્ષાની સ્પર્ધામાં મોતીપુરા-વેડાની સંપૂર્ણ મહિ‌લા પાણી સમિતિબીજા ક્રમે રહેતાં તેઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર અપાયાં હતાં.