ગાંધીનગરમાં રથયાત્રામાં વહેંચાશે ૧૪૦૦ કિલો મગનો પ્રસાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર શહેરમાં અષાઢી બિજનાં રોજ નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને રથ તૈયાર કરવાથી લઇને પ્રસાદીનાં મગની સાફ સુફીની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેનાં પગલે સેકટર ૨૨માં આવેલાં પંચદેવ મંદિર ખાતે સેવાભાવી મહિ‌લાઓ પોતાની સેવા આપવા હાજર થઇ જાય છે.

ગાંધીનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ વર્ષ ૧૯૮પમાં થયો હતો. આ વર્ષે શહેરમાં ૨૯મી વખત નગરચર્યા કરવા બહેન સુભદ્વા તથા ભાઇ બલદેવ સાથે અષાઢી બિજને તા ૧૦મીનાં રોજ નિકળશે. ભગવાનની યોજાનારી આ ભવ્ય નગરયાત્રાને પગલે જોર શોરથી તેની તૈયારીઓ આદરી દેવામાં આવી છે. ચાલુ વર્ષે નિકળનારી ભગવાનની યાત્રામાં આશરે ૧૪૦૦ કિલો મગનો પ્રસાદ રથયાત્રા દરમિયાન વહેચવામાં આવશે.

ત્યારે આટલા મોટા પ્રમાણમાં મગનો પ્રસાદ તૈયાર કરવા તેની સાફ સુફી કરવી પણ આવશ્યક છે. જેને લઇને શહેરની સેવાભાવી મહિ‌લાઓ પ્રસાદને તૈયાર કરવામાં ધન્યતા અનુભવતી પ્રસાદીનાં મગની સાફ સુફીમાં પરોવાઇ ગઇ છે. પંચદેવ મંદિર ખાતે છેલ્લા ચાર દિવસથી ૧પ જેટલી મહિ‌લાઓ આ સેવાકીય કામમાં મન દઇને કામે લાગેલી જોવા મળે છે.