ધોલેરા સરમાં વિશ્વના સૌથી વિશાળ સોલાર પાર્કને મંજૂરી
પોલિટિકલ રિપોર્ટર | ગાંધીનગર
મુખ્યમંત્રીએ ધોલેરા સરમાં વિશ્વના સૌથી વિશાળ 5000 મેગાવોટના સોલાર પાર્ક સ્થાપવા સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. 2022 સુધીમાં બિન પરંપરાગત સ્રોત દ્વારા 175 ગીગાવોટ ઊર્જા ઉત્પાદન કરવાનો વડાપ્રધાને જે મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે તેમાં ગુજરાત આ સોલાર પાર્ક દ્વારા આગવું પ્રદાન કરશે.
ધોલેરા સરના ખંભાતના અખાતમાં 11 હજાર હેક્ટરમાં આકાર પામનારા સોલાર પાર્કમાં 25 હજાર કરોડનું રોકાણ થવાની સંભાવના છે. જેને પરિણામે 20 હજારથી વધુ લોકોને રોજગાર મળશે તેવો રાજ્ય સરકારનો દાવો છે.
એટલું જ નહીં સરકારે કહ્યું હતું કે, ધોલેરા ઇન્ટરનેશનલ સિટી અને આસપાસના વિસ્તારોમાં મેન્યુફેક્ચરિંગ ફેસેલિટીઝની સંપૂર્ણ ચેઈન માટે મોટા પાયે તકો ખૂલશે. પ્રાથમિક અભ્યાસમાં સોલર ઊર્જાના ઉત્પાદન માટે અહીં વિશાળ સંભાવના દર્શાવવામાં આવી છે.