વૈષ્ણોદેવી દર્શને ગયેલા દાહોદના યુવકનું ખીણમાં પડી જતાં મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આર્મીના જવાનોએ મૃતદેહ શોધી કાઢી સ્થાનિક પોલીસને સોંપ્યો
- મૃતક નરેશને લઇ મિત્રો એમ્બ્યૂલન્સ મારફતે દાહોદ આવવા રવાના


દાહોદ શહેર અને નજીકમાં આવેલા દેલસર ગામમાંથી આઠ યુવકો વૈષ્ણોદેવી દર્શન કરવા માટે ગયા હતાં. ત્યાં ભૈરોનાથજીના દર્શન કરીને પરત ફરતી વેળાં પગ લપસવાને કારણે શહેરના યુવકનું અંદાજે પ૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી જવાને કારણે મોત થઇ ગયું હતું. આર્મીના જવાનોએ તેનો મૃતદેહ શોધી કાઢયો હતો. આ ઘટનાથી તેના પરિવાર સહિ‌ત વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. મૃતકને એમ્બ્યુલન્સ દ્વારા દાહોદ લઇને તેના સાથીદારો નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર દાહોદ શહેરના દર્પણ સિનેમા રોડનો રહેવાસી નરેશ રૂમાલ ડામોર પોતાના બનેવી જગદીશભાઇ અને દેલસર ગામના યુવાનો સાથે વૈષ્ણોદેવી દર્શન કરવા માટે ગયો હતો. આઠ યુવકોના આ ગ્રુપે વૈષ્ણોદેવીના તો દર્શન કરી લીધા હતાં પરંતુ ત્યાં હજી ત્રણથી ચાર કિમી ઉપર ભૈરોનાથજીના દર્શન કરવા માટે તેઓ ગયા હતાં. શનિવારના રોજ ભૈરોનાથજીના દર્શન કરીને પરત ફરતી વેળાં નરેશનો પગ અકસ્માતે લપસ્યો હતો. સમતુલન ગુમાવવાને કારણે તે પગદંડી ઉપરથી ગબડીને સીધો આશરે પ૦૦ ફૂટ ઊંડી ખાઇમાં પડયો હતો.

સ્થાનિક તંત્રને આ બાબતની જાણ થતાં આર્મીના જવાનો કામે લાગતાં રવીવારના રોજ નરેશનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં તેના પરિવાર સાથે દપર્ણ સિનેમા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. નરેશના પરિવારના લોકોના જણાવ્યા અનુસાર આર્મીએ મૃતદેહ કટરા પોલીસને સોંપી દેતાં ત્યાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોસ્ટ ર્મોટમ પણ કરવામાં આવ્યું હતું. નરેશની સાથેના યુવકો એમ્બ્યુલન્સ દ્વારા તેનો મૃતદેહ લઇને દાહોદ આવવા માટે રવાના થઇ ગયા છે.

બુધવાર સુધી મૃતદેહ દાહોદ આવવાની સંભાવના

વૈષ્ણોદેવીમાં ખાઇમાં પડવાને કારણે મોતને ભેંટેલા નરેશનો મૃતદેહ લઇને સાથી યુવાનો રવીવારે રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે બુધવાર સુધી નરેશનો મૃતદેહ તેના ઘરે પહોંચી રહેશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.