• Gujarati News
  • Two Men Arrested With Cartridge 3,22,600 Stuff Confiscation

દાહોદ: બે યુવકો તમંચા કારતૂસ સાથે ઝડપાયા, 3,22,600નો મુદ્દામાલ જપ્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તમંચા અને કારતુસ સાથે બે યુવકો ઝડપાયા)
- રવાળીખેડા ગામ પાસે બે યુવકો તમંચા કારતૂસ સાથે ઝડપાયા
- એમપીના માંડલીથી જીપમાં આવતા હતા ત્યારે કોમ્બિંગ દરમિયાન ઝડપાયા
- પોલીસે જીપ સાથે 3,22,600નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી
દાહોદ: દાહોદ એલસીબી પોલીસે કોમ્બીંગ દરમિયાન રવાળી ખેડા ગામ પાસેથી લોડ કરેલા દેશી તમંચા અને બે જીવતા કારતુસ લઇને બોલેરોમાં આવતા મધ્ય પ્રદેશના બે યુવકોને ઝડપી પાડ્યા હતા. ગાડી સાથે 3,22,600નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ એલસીબી પીઆઇ અને તેમનો કાફલો જિલ્લાના સરહદી વિસ્તારમાં વાહન ચેકીંગ કરતા હતા. કારણ કે દાહોદ જિલ્લો મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો હોઇ વિદેશી દારૂ તેમજ ગુનેગારોની હેરાફેરી કોઇ નવી વાત નથી. દાહોદ તાલુકાના રવાળીખેડા ગામ પાસે કોમ્બીંગની કામગીરી ચાલતી હતી ત્યારે એક બોલેરો જીપ મધ્ય પ્રદેશના માંડલી ગામ તરફથી આવતી હતી અને તેમાં મધ્ય પ્રદેશના બે યુવકો બેઠા હતા.
પોલીસને શંકા જતાં જીપની સઘન તપાસ હાથ ધરાઇ હતી. તે દરમિયાન જીપમાં સીટ નીચે વિમલ ગુટકાનો થેલો જોવા મળતાં તેની ચકાસણી કરતાં જ પોલીસ ચોંકી ઉઠી હતી. કારણ કે થેલામાંથી એક લોડ કરેલો દેશી તમંચો અને બે જીવતા કારતૂસ મળ્યા હતા. પોલીસે બંને યુવકોની ઓળખ પુછતાં માંડલી મ.પ્ર.ના કૈલાશ ભુરિયા અને હાલ માંડલીમાં રહેતો રામનારાયણ જયસ્વાલ હોવાનું માલુમ પડ્યું હતું. કતવારા પોલીસ મથકે એલસીબી પીએસઆઇએ બંને સામે ફરિયાદ નોંધાવતાં આગળની તપાસ હાથ ધરાઇ છે. પોલીસે બોલેરો જીપ સહિત તમંચો અને કારતૂસ મળી કુલ 3,22,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં આ હથિયાર લઇને બંને યુવકો ક્યાં અને કયા કારણોસર જતા હતા તેની કોઇ જાણકારી પોલીસને મળી નથી.