દાહોદમાં ચોરીની બાઇક સાથે બે ઝડપાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ શહેરના સ્ટેશન રોડ સ્થિત ચાર થાંભલા વિસ્તારમાંથી રાત્રે મોટરસાઇકલની ચોરી કર્યા બાદ થોડેક જ દૂર અંંધારામાં તેની નંબર પ્લેટ અને રેડિયમ કાઢી રહેલાં બે વિદ્યાર્થી રંગેહાથ ઝડપાઇ ગયા હતાં. બંને વિદ્યાર્થીની આ હરક્તથી તેમનો પરિવાર પણ ડઘાઇ ગયો હતો. બંને સામે શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર દાહોદ શહેરની બુરહાની સોસાયટીના રહેવાસી મહંમદ અહેમદ શેખ પોતાની મોટરસાઇકલ લઇને ચાર થાંભલે ગુટખો ખાવા માટે આવ્યા હતાં. ત્યારે રાતના ૧૦.૩૦ વાગ્યાના અરસામાં દાહોદની આદિવાસી સોસાયટીના રહેવાસી ચિરાગ દીલીપ બારિયા અને મૃગેશ દીલીપ મછા નવજીવન મિલ જવાના રસ્તે લેબોરેટરી સામે પાર્ક કરેલી તેમની મોટરસાઇકલની ચોરી કરીને ફરાર થઇ ગયા હતાં. આ બંને યુવકો ચોરેલી મોટરસાઇકલ ચાર થાંભલાની સામે બાજુ તોડી નખાયેલી અર્ખન બેંક પ્રાથમિક શાળા નજીક લઇ ગયા હતાં. ત્યાં પાના વડે તેમણે પાછળની નંબર પ્લેટ ખોલી નાખી હતી.

આ સાથે આગળની નંબર પ્લેટ તથા મો.સાઇકલ ઉપર લગાવેલી રેડિયમ કાઢી નાખી હતી. બીજી તરફ મોટરસાઇકલ ચોરાઇ હોવાની જાણ થતાં મહંમદ અહેમદ અને તેના મિત્રોએ મોટરસાઇકલની શોધખોળ શરૂ કરી હતી. પ્રાથમિક શાળા નજીક અંંધારામાંથી કંઇક ઠોકવાનો અવાજ આવતાં શંકાના આધારે ત્યાં તપાસ કરતાં ચિરાગ અને મૃગેશ મોટરસાઇકલ સાથે રંગેહાથ ઝડપાઇ ગયા હતાં.

બનાવ અંગે પોલીસને જાણ કરાતાં બને યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમની પાસેથી મોબાઇલ પણ જપ્ત કર્યા હતાં. પૂછપરછ દરમિયાન યુવકોએ પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી. આ સંદર્ભે મહંમદઅહેમદની ફરિયાદના આધારે શહેર પોલીસ દ્વારા બંને સામે ગુનો દાખલ કરીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બંને વિદ્યાર્થીનો પરિવાર ડઘાઇ ગયો
રાતના સમયે મોટરસાઇકલ ચોરીમાં પકડાયેલા ચિરાગ અને મૃગેશ હવાલાતની હવા ખાઇ રહ્યા છે તે બાબતથી અજાણ બંનેના પરિવારના લોકોએ રાત ચિંતામાં ગાળી હતી. પોલીસ મથકેથી બંનેના ઘરે ફોન જતાં ત્યાં ધસી આવેલા તેમના પરિવારના લોકો બંનેની ચોરીની આ હરક્ત સાંભળીને ડઘાઇ ગયા હતાં. ચિરાગ ૧૨માં ધોરણમાં નાપાસ થયો છે જ્યારે મૃગેશ સુખસરમાં આઇટીઆઇમાં ભણી રહ્યો છે.

અગાઉ પણ બાઇક ચોરી હતી
દાહોદમાં મોટરસાઇકલ ચોરીમાં રંગેહાથ ઝડપાયેલા ચિરાગ અને મૃગેશ દ્વારા અગાઉ પણ મોટરસાઇકલની ચોરી કરી હોવાની કબૂલાત પોલીસ મથકમાં કરવામાં આવી હતી. આ મોટરસાઇકલ તેમણે ઝાલોદ તરફ આપી દીધી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા તેમની કબૂલાતના આધારે તપાસનો દોર ઝાલોદ તરફ લંબાવવામાં આવ્યો છે. જે માટે પોલીસ સક્રિય બની છે.