દાહોદમાં મારુતિ વાનમાં લઇ જવાતો બિયરનો જથ્થો જપ્ત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોલીસે બિયરની હેરાફેરી કરનારા બેની ધરપકડ કરી તપાસ લંબાવી

દાહોદ શહેરની મંડાવાવ ચોકડી ઉપર શંકાના આધારે રોકેલી એક મારૂતિ વાનમાંથી ૧૦ હજાર રૂપિયાની કિંમતનો બિઅરનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો જાલતથી દાહોદ લાવવામાં આવી રહ્યો હતો. પોલીસે બિઅરની હેરાફેરી કરતાં બે યુવકો સાથે જેના ત્યાંથી બિઅર લવાતો હતો, તેની સામે પણ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, દાહોદ શહેરના પોલીસ મથકનો ડી સ્ટાફ શહેરની મંડાવાવ ચોકડી ઉપર નાકાબંધીમાં ઉભો હતો. ત્યારે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં આવેલી એક મારૂતિ વાનને પોલીસે શંકાના આધારે રોકી હતી.
વાનના પાયદાનમાં પુઠ્ઠાના બે બોક્સ જોવા મળતાં તપાસ દરમિયાન તેમાંથી બિઅરની ૧૦૮ બોટલો મળી આવી હતી.

પોલીસે ૧૦,૮૦૦ રૂપિયાની કિંમતનો બિઅરનો જથ્થો કબજે લઇને વાનમાં સવાર દાહોદ શહેરની જુની સિવિલ ર્કોટ રોડના રહેવાસી આકાશ રાકેશ ભગોરા અને મયંક અશોક મોહનિયાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ૪૦ હજાર રૂપિયાની કિંમતની મારૂતિ વાન પણ કબજે લીધી હતી. પોલીસે બંનેનની પુછપરછ કરતાં બિઅરનો આ જથ્થો તેઓ જાલત ગામના અર્જુન સમલ પણદાના ઘરેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. બિઅરનો આ જથ્થો દાહોદ શહેરમાં જ લાવવામાં આવી રહ્યો હતો. કોન્સ્ટેબલ કીરણભાઇની ફરિયાદના આધારે આકાશ, મયંક અને અર્જુન સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, દિવાળી પુર્વે પણ દાહોદ જિલ્લામાં દારૂની હેરાફેરી કરનારા સામે પોલીસે સપાટો બોલાવ્યો હતો.