દાહોદમાં તેલના છ વેપારીઓને ત્યાં દરોડા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચકાસણી પછી જ તેલના નમૂનાની ગુણવત્તા જાણી શકાશે

દાહોદ શહેરમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે તેલના વેપારીઓ પર તવાઇ લાવી દીધી છે. પાછલા બે દિવસમાં જ તેલના વેપારીઓની જુદી જુદી છ પેઢીઓ પર દરોડા પાડી વિવિધ પ્રકારના તેલના નમૂના લઇ તેને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ઓચિંતી હાથ ધરાયેલી આ કાર્યવાહીથી શહેરમાં ફફડાટ ફેલાઇ ગયો છે. ચકાસણી પછી જ તેલના નમૂનાની ગુણવત્તા જાણી શકાશે.

ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગમાંથી પ્રાપ્ત માહિ‌તી પ્રમાણે તેલના વેપારીઓની પેઢીઓ તેમજ દુકાનો ઉપરથી ખાદ્ય તેલના નમૂના લઇ સઘન કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. જેના પગલે ફુડ સેફ્ટી ઓફિસર બી.એમ.ગણાવા તેમજ ડી.પી.બામણીયાની ટુકડીએ તારીખ ૯ અને ૧૦ મે, ગુરુવાર અને શુક્રવારે જિલ્લા મથક દાહોદમાં તેલનો વેપાર કરતાં વેપારીઓની પેઢીઓ પર દરોડા પાડયા હતા અને જુદા જુદા પ્રકારના ખાદ્ય તેલના નમુના લીધા હતા. જેમાં હનુમાન બજારમાં આવેલા કુત્બી ટ્રેડર્સમાંથી નિર્મલ બ્રાન્ડનું કપાસીયા તેલનો નમૂનો લેવાયો હતો.

તેવી જ રીતે યઅસ માર્કેટમાં નિશા એન્ટર પ્રાઇઝમાંથી રૂચિ સ્ટાર બ્રાન્ડનું સરસવનું તેલ, હનુમાન બજારમાં આવેલા હર્ષિ‌લ ટ્રેડીંગ માંથી રાણી સીંગ તેલ, મુલ્લાજી બજાર સ્થિત અલઅક્સા ટ્રેડીંગમાંથી આનંદ બ્રાન્ડનું કપાસીયા તેલ, યઅસ માર્કેટમાં આવેલા ભારત ટ્રેડર્સમાંથી કાઠીયાવાડ સીંગ તેલના સેમ્પલ તેમજ મુલ્લાજી બજાર માં આવેલા ફખરી એન્ટરપ્રાઇઝ માંથી રિફાઇન્ડ કપાસીયા તેલની વિમલ બ્રાન્ડના નમુના લેવામાં આવ્યા હતા
|
તેમજ આ તમામ નમુના સંબંધિત લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. માત્ર તેલના વેપારીઓની પેઢીઓ પર જ સાગમટે દરોડા પડાતાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. કારણ કે હાલમાં કેરીના સર તેમજ ઠંડા પીણાંની મૌસમ પુર બહારમાં ખીલેલી છે તેમજ હાલમાં કોઇ હોળી, દિવાળી જેવા મોટા તહેવાર પણ નથી ત્યારે જ તેલના વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરાતાં છુપો ગણગણાટ પણ શરૂ થયો છે.