દાહોદ જિલ્લામાં ખાંડ વિના ગરીબોના તહેવાર મોળા રહ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-રાજ્યકક્ષાએથી ખાંડનો જથ્થો ન ફળવાતાં ગરીબ લાભાર્થી‍ઓ ખાંડથી વંચિત
-જૂજ જથ્થો હોવાથી આખાયે જિલ્લામાં પહોંચી વળાય તેમ ન હોવાથી સર્જાયેલી સ્થિતિ
-તહેવારો ટાણે જ સરકારી અનાજનો જથ્થો આર્શીવાદરૂપ હોય છે ત્યારે જ સસ્તી ખાંડથી વંચિત

દાહોદ જીલ્લાના ગરીબોની દિવાળી સસ્તા ભાવની ખાંડ વિના મોળી જ રહી ગઇ છે. કારણ કે રાજ્યકક્ષાએથી ખાંડનો જથ્થો જ નહી ફળવાતાં ગરીબ લાભાર્થી‍ઓને ખાંડ વિતરણ કરી શકાયું જ નથી. કારણ કે જૂજ જથ્થો હોવાથી આખાયે જિલ્લામાં પહોંચી વળાય તેમ ન હોવાથી ગરીબો સસ્તી ખાંડથી વંચિત જ રહ્યા છે.

દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો પછાત જિલ્લો છે જેને કારણે અતિ ગરીબો અને અંત્યોદય લાભાર્થી‍ઓની સંખ્યા પણ ઘણી મોટી છે. જેથી સરકારી અને વાજબી ભાવે મળતાં અનાજની જરૂરિયાત ગરીબો માટે મહત્વની છે. તેમાંયે દિવાળી જેવા સપરમા તહેવારે તો મહાનગરોમાં ગયેલા શ્રમિકો પણ માદરે વતન પાછા ફરતા હોવાથી પરિવારો આવા તહેવારે માંડ એકઠા થતા હોય છે. તેવા સમયે જ્યારે આખાયે કુટુંબ સાથે વર્ષમાં માંડ એકાદ બે વાર થયું હોય છે ત્યારે રસોડું પણ ધમ ધમે છે. જેને કારણે ગરીબોને માટે આવા સમયે સરકારી અનાજ નો જથ્થો આર્શી‍વાદ રૂપ પુરવાર થતો હોય છે.

તહેવારો વખતે જ અનાજનો જથ્થો એડવાન્સમાં આપવાને બદલે દિવાળીના ખરે ટાંકણે જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો ન હતો. જેને કારણે વાજબી ભાવના દુકાનદારોને પરમિટ કઢાવવામાં પણ તકલીફ પડી હતી. જો કે ગમે તેમ કરીને જિલ્લા પુરવઠા અધિકારીની કડક સૂચના મળતાં અનાજનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ ગરીબોની દિવાળી તો મોળી જ રહી હતી. કારણ કે જિલ્લાના સાતેય તાલુકામાં મળી કુલ ખાંડનો જથ્થો ૪૨પ ટન જેટલો આવશ્યક છે ત્યારે તેની સામે ફક્ત ૧૦૦ ટન જેટલો જૂજ જથ્થો હોવાથી જિલ્લાના મોટા ભાગના ગરીબો વાજબી ભાવની કાંડથી વંચિત રહી ગયા છે.

તેમાંયે ઇજારદાર બદલાયો હોવાનું કહેવાય છે. તેમજ હવે વડોદરાને બદલે ગણેશ સુગર ફેક્ટરી ભરૂચથી ખાંડનો જથ્થો પૂરો પાડવામાં આવનાર છે ત્યારે આગામી દિવસોમાં ક્યારે ગરીબોને સસ્તી ખાંડ મળશે તે હાલ કહેવું અશક્ય છે. આમ રાજ્ય સરકાર જ્યારે ગરીબ અને આદિવાસી જિલ્લાઓને દરેક યોજનાઓમાં પ્રાધાન્ય આપવાની વાત કરે છે ત્યારે સરકાર પોતાની વાતને કેટલી અનુસરે છે તે આ ઉદાહરણ પરથી સમજી શકાય તેમ છે.

ટૂંક સમયમાં ખાંડનો જથ્થો ફાળવવામાં આવશે
દાહોદ જિલ્લામાં ખાંડનો જથ્થો ૧૦૦ ટન જેટલો ઉપલબ્ધ હતો. હાલમાં કોન્ટ્રાક્ટર પણ બદલાયો છે અને હવે વડોદરાને બદલે ભરૂચ ગણેશ સુગર ફેક્ટરીમાંથી જથ્થો મંગાવવામાં આવશે. આવતી કાલ અથવા પરમ દિવસથી વિતરણ શરૂ કરી શકાશે. કે.એમ.ભટ્ટ, જિલ્લા પુરવઠા મામલતદાર