કાળિયા તળાવમાં દારૂની હાટડીઓ પર પોલીસનો સપાટો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દારૂની પાંચ ભટ્ટીથી વોશ ભરેલાં ૩૧ માટલાં અને દારૂ ભરેલા ૨પ કારબા જપ્ત
૨પથી ૩૦ પોલીસોની ટીમ બનાવી કોતર અને ઘરોમાં તપાસ હાથ ધરી
નાના માલીવાડમાં ૮ માટલામાંથી ૧૬૦ કિલો દારૂનો વોશ મળ્યો


ઝાલોદ તાલુકાના કાળિયાતળાવ ગામે પોલીસે ટીમ બનાવી કાળિયાતળાવ ગામે છાપો મારતાં કોતર તેમજ ઘરમાંથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઇ હતી. પોલીસે પાંચ દેશી દારૂની ભઠ્ઠીથી ૩૧ માટલામાં ભરેલો વોશ તેમજ દારૂ ભરેલા ૨પ કારબા જપ્ત કર્યા હતાં. પોલીસે ૬૨૦ કિલો વોશ અને ૬પ લીટર દેશી દારૂ જપ્ત કરીને મહિ‌લા સહિ‌ત આઠ લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ઘરી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર કાળિયાતળાવ ગામે ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની બાતમીના આધારે ઝાલોદ પોલીસ મથકના પીએસઆઇ કે.ડી ડિંડોરે એસઆરપી તેમજ પોલીસ માણસો મળીને ૨પથી ૩૦ની લોકોની ટીમ બનાવી હતી. બપોરના બાર વાગ્યાના અરસામાં ગામમાં પોલીસે છાપો મારતાં ખળભળાટ મચી ગયો હતો. તપાસ દરમિયાન ગામના કોતરમાંથી ઉમેશ નાના માલીવાડની દેખરેખ હેઠળ ધમધમતી ભઠ્ઠીથી આઠ માટલામાંથી ૧૬૦ કિલો દારૂનો વોશ મળી આવ્યો હતો.

આ ઉપરાંત વીરસિંગ દીતા માલીવાડની ભઠ્ઠીથી પાંચ માટલામાંથી ૧૦૦ કિલો વોશ, હિંમત દીતા માલીવાડની ભઠ્ઠીથી છ માટલામાંથી ૧૨૦ કિલો વોશ, ઇલેશ સોમા કટારાની ભઠ્ઠીથી મળી આવેલા સાત માટલાંમાથી ૧૪૦ કિલો વોશ મળી આવ્યો હતો. આ ઉપરાંત સુરેશ સોમા કટારાની ભઠ્ઠી ઉપરથી ૨પ લીટર દેશી દારૂ ભરેલા ૨પ કારબા મળી આવ્યા હતાં. પોલીસે રમણ માનસીંગ માલીવાડના ઘરમાં છાપો મારતાં ત્યાંથી પણ ૩૦ લીટર દેશી દારૂ મળ્યો હતો. આ ઉપરાંત ધનાબહેન બાબુભાઇ માલીવાડના ઘરેથી પણ પાંચ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. કાળિયાતળાવ ગામમાં મોટા પાયે દેશી દારૂ ગાળવાની ધમધમાટ ચાલતી આ પ્રવૃતિનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આઠ જુદા-જુદા ગુના દાખલ કરીને દારૂની હાટડીઓ ધમધમાવતાં લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જથ્થો મોટો પણ તેની કિંમત નજીવી

કાળિયાતળાવ ગામે દેશી દારૂની હાટડીઓ ઉપર છાપા મારીને પોલીસે વોશ તેમજ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો. પરંતુ આ જથ્થાની કિમત નજીવી હોવાનું જોવા મળી રહ્યું છે. પોલીસે પકડેલા વોશ કિંમત ૧૧૪૦ રૂપિયા જ્યારે દેશી દારૂની કિંમત ૧૨૦૦ રૂપિયા આંકવામાં આવી છે.