અડધો ડઝન લૂંટ ધાડમાં સંડોવાયેલા લૂંટારુને ઝડપી લેતી દાહોદ પોલીસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-લીમખેડા, ધોળકામાં ધાડ-લૂંટમાં સંડોવાયેલો ડોઝગરનો રીઢો આરોપી ઝડપાયો
-એલસીબી પોલીસ તેમજ પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા હાથ ધરાયેલ કાર્યવાહી

દાહોદ પોલીસે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા હાલમાં એક સઘન ઓપરેશન હાથ ધર્યુ છે. તેના ભાગરૂપે ધાનપુર તાલુકા વિસ્તારમાં કોમ્બિંગ કરતાં લીમખેડા અને ધોળકામાં ધાડ લૂંટના ગુનામાં સંડોવાયેલો ડોઝગર ગામનો રીઢો આરોપી ઝડપાઇ જતાં પોલીસને નોંધપાત્ર સફળતા સાંપડી છે. હાલમાં દાહોદ જીલ્લામાં નાસતા ફરતાં વોન્ટેડ અને ખુનખાર આરોપીઓને ઝડપી પાડવા ઉચ્ચ કક્ષાની સૂચના પ્રમાણે એક એક્સન પ્લાન બનાવવામાં આવ્યો છે.

તે પ્રમાણે એલસીબી પોલીસ તેમજ પેરોલ ફર્લો સ્ક્વોડે ધાનપુર તાલુકા વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધર્યુ હતુ. આ સમયે લીમખેડા પોલીસ વિભાગની હદમાં તેમજ અમદાવાદના ધોળકા પોલીસ મથકની હદમાં મળી કુલ અડધો ડઝન જેટલા ધાડ લૂંટના ગુનાનો આરોપી અને વોન્ટેડ એવો ધાનપુર તાલુકાના ડોઝગર ગામનો રહેવાસી રમેશ તેરસીંગ બીલવાળ ઝડપાયો હતો. જેથી દાહોદ પોલીસને એક મોટી સફળતા મળી હોવાનું કહેવાય છે કારણ કે બીજા ગુનાઓનો ભેદ પણ ઉકેલાઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુનાઓના મુખ્ય સૂત્રધાર કાંટુના મલસીંગ રાસીંગ પરમાર, સજોઇના માજુ અલસીંગ મંડોળ તેમજ કાલીયાવાડના કાળીયા બિલવાળને બાઇક પર ઝડપી પાડયા હતા. તેમની પાસેથી દેશી તમંચો અને રોકડા પાંચ હજાર જપ્ત કર્યા હતા. પૂછપરછ દરમિયાન તેમણે આ ગુનાઓ કબુલ્યા હતા.