પાંચિયાસાળમાં 2.50 લાખનો વિદેશી દારૂ ભરેલી જીપ ઝડપાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેવગઢ બારિયા તાલુકાના પાંચીયાસાળ ગામમાં રાત્રે પોલીસે વિદેશી દારૂ ભરેલી એક જીપ ઝડપી પાડી હતી. પોલીસે ધાનપુર તાલુકાના જામરણ ગામના ચાર ખેંપિયાઓ પૈકીના એકની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ અને જીપ મળીને છ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ત્રણે સામે ગુનો દાખલ કર્યો છે.

બારિયાના પીએસઆઇ આર.સી કાનમિયાને વિદેશી દારૂ અંગેની બાતમી મળી હતી. જેથી પાંચીયાસાળ ગામે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. રાતના ૧૧.૩૦ વાગ્યે જીજે-૨૦-યુ-૪૭૧૬ નંબરની પીકઅપ જીપને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ધાનપુર તાલુકાના ગોજીયા ગામના ચાલક શૈલેષ અભેસિંગ નાયકે પોલીસના સંકેતને અવગણી જીપ આગળ ધપાવી જતાં તેને પીછો કરવામાં આવ્યો હતો. જેથી એક તરફ જીપ ઉભી રાખીને ચાલક શૈલેષ તથા જીપમાં સવાર ઇશ્વર પ્રતાપ વાખળા અને અજીતભાઇ નામક યુવકો ફરાર થઇ ગયા હતાં.જ્યારે પોલીસે ભાગતાં જામરણ ગામના ખુમાનસિંહ ડાયરાનો પીછો કરીને ધરપકડ કરી હતી. પોલીસે તપાસ કરતાં જીપમાંથી પુઠ્ઠાની ૨૦૯ પેટીમાંથી વિદેશી દારૂની ૨પ૦૮ બોટલો મળી આવી હતી.

૨,પ૦,૮૦૦ રૂપિયાની કિંમતના દારૂ સાથે છ લાખ રૂપિયાની જીપ પણ જપ્ત કરી હતી. પીએસઆઇ આર.સી કાનમિયાએ ફરિયાદ નોંધાવતાં સુનિલ ડાયરા, શૈલેષ નાયક, ઇશ્વર વાખળા અને અજીત સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ દારૂ કોની પાસેથી અને ક્યાથી લાવતો હતો તે અંગે હાલ રહસ્ય અકબંધ છે.