દાહોદ જિલ્લાનાં ૧૦ મેડિકલ ઓફિસર સહિ‌ત પ૦ને નોટિસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ ખાસ ટૂકડી બનાવી ઓચિંતી તપાસ હાથ ધરતાં પર્દાફાશ
-જેસાવાડા, અભલોડ, નઢેલાવ, પાંચવાડા, પાટિયા, ગાંગરડી, ઝાબુ, સુડિયા, રઇ અને બોરડી આરોગ્ય કેન્દ્રમાં સપાટો

દાહોદ જીલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને કેટલાયે ગામડાંઓમાં તેના સબ સેન્ટર આવેલા છે. જેથી આરોગ્ય સેવાનો લાભ ગરીબ ગ્રામ જનોને થાય છે. આવા આરોગ્ય કેન્દ્રોના હેડ ક્વાર્ટર પર રહેવાનું ફરજીયાત હોવા છતા કેટલાયે અધિકારીઓ કર્મચારીઓ સ્થળ પર રહેતાં નથી. જેથી જિલ્લા આરોગ્ય અધિકારીએ ટીમ બનાવી ચેકિંગ હાથ ધરતાં ઝડપાયેલા ૧૦ જેટલા મેડીકલ ઓફિસર સહિ‌ત પ૦ જેટલા આરોગ્ય કર્મચારીઓને નોટીસ ફટકારવામાં આવી છે.

દાહોદ જીલ્લામાં ૬૦ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે તેમજ ૩૦૦ જેટલા સબ સેન્ટર પણ ચાલી રહ્યા છે તેમજ ૧૨ જેટલા સામુહિ‌ક આરોગ્ય કેન્દ્રો પણ આવેલા છે. આવી સરકારી આરોગ્ય સેવાનો મહત્તમ લાભ ગામડાંઓમાં વસતાં ગરીબ આદિવાસીઓને થાય છે. બીજી તરફ આવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતાં મેડીકલ ઓફિસર તેમજ તેમના કર્મચારી ગણે પોતાના હેડ ક્વાર્ટર પર જ રહેવાનો આરોગ્ય કમિશ્નરનો પરિપત્ર છે. પરંતુ મોટા ભાગના આરોગ્ય અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓ આ પરિપત્રને ઘોળીને વર્ષોથી પી ગયા છે.

કારણ કે દાહોદ જેવા અંતરિયાળ અને ડુંગરાળ જીલ્લામાં કોઇ પણ અધિકારી કે કર્મચારી ગામડાંમાં રહેવા માટે તૈયાર જ નથી. આમ ઘણાં તબીબો અને આરોગ્ય કર્મચારીઓ પોતાના હેડ ક્વાટર પર રહેતાં નથી. જેથી થોડા સમય પહેલાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.જે. પંડયાએ આવી તપાસ કરવા માટે જીલ્લા ક્ષય અધિકારી ડો. પ્રકાશ સુથાર તેમજ ઇન્ચાર્જ અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.ડી. પહાડીયા તેમજ કેટલાક પેરામેડીકલ સ્ટાફની એક ટીમ બનાવી હતી.

આ તપાસ ટુકડીએ જે તે સમયે ઓચિંતી તપાસ કરતાં જેસાવાડા, અભલોડ, નઢેલાવ, પાંચવાડા, પાટિયા, ગાંગરડી, ઝાબુ, સુડિયા, રઇ અને બોરડી મુકામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મુખ્ય મથકે સંબંધીત મેડીકલ ઓફિસર તેમજ તેમના કર્મચારી ગણ રહેતાં ન હોવાનું ઝડપાઇ ગયુ હતુ. જેથી મેડીકલ ઓફિસર સહિ‌ત પ૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ અધિકારીઓને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીએ નોટીસ ફટકારતાં ખળભળાટ મચી ગયો છે.

સીએચસીમાં પણ તપાસ જરૂરી
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કરેલી તપાસ માફક સામુહિ‌ક આરોગ્ય કેન્દ્રોમાં પણ આવી ઓચિંતી તપાસ હાથ ધરવી આવશ્યક છે. તેની સાથે દર્દીઓને તપાસવાનો ઓપીડીનો સમય પણ કેટલો અને ક્યારે હોય છે તેની બહોળી જાહેરાત સાથે તે સમયે પણ તપાસ કરવામાં આવે તો આરોગ્ય સેવા વધારે સુદ્રઢ બની રહે તેમ છે.