મૃતક યુવતી પાસેથી યુવકનો મોબાઇલ નંબર મળતાં હોબાળો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરિવારજનોએ યુવકના કાકાના ઘરે તોફાન મચાવ્યું
દાહોદ તાલુકાના ડોકી ગામમાં થોડા દિવસ પહેલાં એક યુવતિનો મૃતદેહ મળ્યો હતો. તેના બ્લાઉઝમાંથી એક યુવકનો મોબાઇલ નંબર નીકળતાં મૃતકના પરિવારજનોએ યુવકના કાકાના ઘરે તોફાન મચાવી મકાનને નુક્સાન પહોંચાડી પતાવી નાખવાની ધમકીઓ આપતાં ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ વિભાગમાંથી પ્રાપ્ત માહિ‌તી પ્રમાણે ગત તા.૧૧ એપ્રિલના રોજ દાહોદ તાલુકાના ડોકી ગામની સીમમાંથી સોનલ નામની યુવતિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના બ્લાઉઝમાંથી એક યુવકનો મોબાઇલ નંબર લખેલી ચિઠ્ઠી નીકળી હતી.
જેથી સોનલના સંબંધીઓ રમણ સવલા ડામોર, કલસીંગ રામસીંગ ડામોર,કપીલા કલસીંગ ડામોર તેમજ મેના બાબુ ડામોરે તા.૨૪ એપ્રિલના રોજ સાંજે ચાર વાગે યુવકના કાકા રસીકભાઇ હરસીંગ સંગાડાના ઘરે ડુંગરા ગામે જઇ કીકીયારીઓ અને ગાળા ગાળી કરી તોફાન મચાવ્યુ હતુ. રસીક ભાઇના ઘરને નુક્સાન પહોંચાડયુ હતુ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચારેય સામે દાહોદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.