• Gujarati News
  • Kalola District Vejalpur Electric Shock Death Of A Young Man

કાલોલ તાલુકાના વેજલપુરમાં વીજ કરંટ લાગતાં યુવાનનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાલોલ તાલુકાનાં વેજલપુર ગામે આવેલા ચમારવાસમાં ઘરનાં છાપરા પર તાડપત્રી ઢાંકતો હતો. તે દરમિયાન પોતાના મકાન ઉપરથી પસાર થતા ૧૧ કેવીનાં વીજપ્રવાહનો તાર ગળામાં અડી જતાં જોરદાર કરંટ લાગતાં યુવાનનું ઘટના સ્થળ ઉપર જ મોત થયું હતું. આ બનાવને પગલે મોટીસંખ્યામાં લોકો ટોળે વળ્યા હતા.

કાલોલ તાલુકાનાં વેજલપુરના ચમારવાસમાં રહેતા સિકંદર યાકુબ પાડવા (ઉવ.૨૧) ગત તા.૩ ગુરુવારના રોજ વરસાદને કારણે મકાન ઉપર પ્લાસ્ટિક ઢાંકવા ચઢયો હતો. તે દરમિયાન મકાન ઉપરથી ૧૧ કેવીનાં વીજપ્રવાહના પસાર થતા તારને અડકી જતાં યુવાનને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અંગેની જાણ એમજીવીસીએલને કરાતાં લાઇન બંધ કરી યુવાનનો મૃતદેહ નીચે ઉતારવામાં આવ્યો હતો. બનાવને પગલે મૃતકના પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઇ હતી. તેમજ એમજીવીસીએલના અણઘડ વહીવટ સાથે છુપો રોષ ફેલાયો હતો. આ અંગે વેજલપુર પોલીસ મથકે જાણ કરતાં તેઓ બનાવ સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં જરૂરી કાર્યવાહી બાદ લાશને પરિવારજનોને સોંપી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નોંધનિય છે કે, અવાર નવાર વીજ કરંટ લાગવાના બનાવ જિલ્લામાં બને છે. તેમાંય વરસાદી મોસમમાં વીજ કરંટના બનાવોમાં નોંધપાત્ર વધારો થવાની શકયતા છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તે માંગ છે.