ગરબાડામાં લગ્નસરાની મોસમમાં ગુજરાતી લોકગીતોની બોલબાલા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ડી.જે. ના તાલે ગુજરાતી લોકગીતો પર નાચવાના ક્રેઝ ખુબ જ વધી રહ્યો છે
-ધોમધખતા તાપમાં પણ લોકો લગ્નમાં ઉત્સાહથી મહાલે છે

ગરબાડા પંથકમાં હાલમાં લગ્ન સરાની મોસમ પુરબહારમાં ચાલી રહી છે અને તેમાં પણ જયાં દેખો ત્યાં ડી.જે. ના તાલે ગુજરાતી લોકગીતો પર નાચવાના ક્રેઝ ખુબ જ વધ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. ગરબાડા તાલુકો ગુજરાતના છેવાડે મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલો આદિવાસી બાહુલ્ય ધરાવતો તાલુકો છે. હોળીના તહેવાર બાદ મેળાની મઝા માણીને આ વિસ્તારના લોકો લગ્નો કરવામાં વ્યસ્ત થઇ જાય છે. હાલમાં આ વિસ્તારમાં લગ્નોની ભરમાર લાગેલી છે.

જયાં નજર કરો ત્યાં દિવસ અને રાત ડી.જે.ના તાલે ગુજરાતી લોકગીતો ઉપર લોકો નાચતા અને ઝુમતા જોવા મળવાના દ્રશ્યો હાલમાં સામાન્ય બન્યા છે. તેટલું જ નહિ‌ એન્જોય કરવા માટે આ વિસ્તારની પ્રજા પાંચ પાંચ દિવસના વાના રાખે છે અને આખી આખી રાત ડી.જે. ના તાલે ઝુમે છે. આ વિસ્તારની પ્રજાને ધોમધકતા તાપમાં ભર બપોરે ડી.જે. ના તાલે નાચતા જોઇને એમ લાગે કે ખરેખર લગ્નોનો ખરો આનંદ આ પ્રજા જ ઉઠાવે છે.

ગરબાડા તાલુકામાં અંદાજીત ૧પ૦ થી ૨૦૦ જેટલા ડી.જે. સાઉન્ડ સીસ્ટમ ભાડે ફરે છે અને તે તમામ ડી.જે. પર વધુ પડતા ગુજરાતી લોક ગીતો જ વાગે છે. અન્ય ઠેકાણે ભલે હિ‌ન્દી અને પોપ ગીતોની બોલબાલા હોય પરંતુ ગુજરાતના ગરબાડા તાલુકામાં ડી.જે. સાઉન્ડ પર ગુજરાતી લોક ગીતોની બોલબાલા છે તેમજ ડી.જે. ના તાલે ગુજરાતી લોકગીતોની બોલબાલા વધતા માંદળીયાનો ક્રેઝ ઘટતો ગયો છે.