દાહોદ જિલ્લામાં સામાન્ય વાતે મારામારીની ચાર ઘટના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ખરોદા, રળિયાતી ગુર્જર, કચલધરા, મીરાખેડીમાં બનેલા બનાવ
-તમામ બનાવોમાં પોલીસે ૧૧ સામે ગુના દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી

દાહોદ જિલ્લામાં ખરોદા, રળિયાતી ગુર્જર, કચલધરા અને મીરાખેડી ગામમાં સામાન્ય વાતે એક બીજા ઉપર હુમલો કરવાની ચાર ઘટના બની હતી. જેમાં મહિ‌લા સહિ‌ત પાંચ લોકો ઘાયલ થયા હતાં. આ અંગે પોલીસે ૧૧ લોકો સામે ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝાલોદ તાલુકાના કચલધરા ગામે મુકેશભાઇ ડામોર અને શંકરભાઇ ડામોરે કોઇ વાતે ભેગા મળીને પંચાણું કર્યુ હતું.

જેમાં મુકેશભાઇને ૭૦ હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. મુકેશભાઇએ રૂપિયાની માગણી કરતાં આ પંચાણાને નહીં માની શંકર ડામોર, નારસિંગ ડામોર અને રાકેશ ડામોરે ભેગા મળીને રાતના આઠ વાગ્યાના અરસામાં ઝઘડો કર્યો હતો. જેમાં મુકેશભાઇ અને સકનભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઝપાઝપીમાં પડી ગયેલા મુકેશભાઇને ડાબા હાથે ઇજા થઇ હતી. આ સાથે સકનભાઇના માથામાં પથ્થર વાગતાં તેઓ ઘાયલ થયા હતાં.

ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામમાં બનેલા બનાવમાં સુરેશ પારગી અને તેનો ભાઇ દીપસિંગ સંયુક્ત કુટુંબમાં રહેતાં હતાં. કોઇ કારણોસર સુરેશ અને તેની પત્ની દક્ષાએ ભાઇ દીપસિંગને જુદા થઇ જવા માટે જણાવ્યું હતું. દીપસિંગે જુદા થવાની ના પાડતાં તેને ગાળો બોલીને ગડદાપાટુનો માર મારીને શરીરે ઇજા કરવામાં આવી હતી.

દાહોદ તાલુકાના ખરોદા ગામે આલની તળાઇ ફળિયામાં રહેતાં દલસિંગ બામણિયા, સુભાષ બામણિયા, અનીસ બામણિયા અને મુકેશ બામણિયાએ ગામના સુક્રમ બારિયાના ઘરે જઇને તમો ભારત પીદીયાની ચઢામણી કરો છો કહીને ગાળો બોલી હતી. આ મુદ્દે બોલાચાલી થતાં ત્રણે પિતા- પૂત્રોએ પથ્થરમારો કરતાં સુક્રમભાઇના માથે અને ભુરીબહેન નામક મહિ‌લાના ગળાના ભાગે વાગતાં તેઓ ઘાયલ થયા હતાં.

ઝાલોદ તાલુકાના રળિયાતી ગુર્જર ગામે રમીલાબહેન નીસરતા નવરાત્રીમાં બાધા કરવા માટે બકરો લાવી હતી. આ બકરો ગુમ થતાં તેણે ગામમાં રહેતાં કટુ ઉર્ફે કનુ નીસરતા અને લલીત નીસરતાના માથે પાડયો હતો. આ બાબતની અદાવત રાખીને બંનેએ રમીલાબહેનને પાઇપ વડે માર મારીને પગ ભાંગી નાખ્યો હતો. આ બનાવ અંગે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.