દાહોદ: પાંચ સ્થળે દરોડા, ૧૪.૨૨ લાખનો દારૂ જપ્ત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-પીપલોદ, વરમખેડા, લીમડી અને પાનમ મળીને વધુ પાંચ સ્થળે દરોડાથી દોડધામ
-દારૂના જથ્થા સાથે બાઇક અને ટ્રેક્ટરની ટ્રોલિ પણ જપ્ત કરવામાં આવી

દાહોદ જિલ્લામાં હોળીના પર્વમાં દારૂની રેલમછેલ રોકવા માટે સક્રિય થયેલી પોલીસ છેલ્લા કેટલાંક દિવસોથી બૂટલેગરોને રાડ પડાવી રહી છે. પોલીસે પીપલોદ, વરમખેડા, લીમડી અને પાનમ મળીને વધુ પાંચ સ્થળે દરોડા પાડીને ૧૪.૨૨ લાખના દેશી-વિદેશી દારૂના જથ્થા સાથે એક મોટર સાઇકલ અને ટ્રેક્ટરની ટ્રોલિ પણ જપ્ત કરી હતી. દે.બારિયાના પીપલોદ ગામે ખાડા ફળિયામાં પોલીસે વિનોદકુમાર લાલાભાઇ વણકરના ઘરે છાપો માર્યો હતો.

ઘરમાંથી ૪૦ બોક્સ અને સાત પ્લાસ્ટિકના થેલા મળ્યા હતાં. તેમાંથી પોલીસે વિદેશી દારૂની ૨૨પ૬ બોટલો જપ્ત કરી હતી. ૧,૧૨,૮૦૦નો દારૂ જપ્ત કર્યો હતો.પીપલોદ ગામના જ ખાડા ફળિયામાં સાવકુણભાઇ પટેલના ઘરે પણ છાપો મારીને તલાશી લીધી હતી. જેમાં પોલીસને ૩૦,૬૦૦ની ૪૨૦ બોટલો મળી હતી. લીમડીના ડબગરવાસમાં હરીશ કૈલાશ ગડરિયાના ઘરે પોલીસે છાપો માર્યો હતો. પોલીસને ઘરમાંથી ૪૧૪ પેટીમાંથી ૬૮૮૪ નંગ બોટલો મળી હતી. ૬,૪૦,૮૦૦નો જથ્થો જપ્ત કરીને ફરાર હરીશની શોધખોળ હાથ ધરી છે.

વરમખેડા ગામના રાજુ બારિયાએ સાથીદાર કાળા પરમાર, ચેનિયા ડામોર અને તાનસિંગ પરમારની મદદથી દાહોદ-ગરબાડા રોડ પર ખાનનદીના પટમાં દારૂનો જથ્થો ઉતાર્યો હતો. ત્યાંથી ટ્રેક્ટરની ટ્રોલિમાં આ જથ્થો ભરાવી પોતાના ઘર આગળ લઇ જવાયો હતો. તે વખતે ગાંધીનગરના સ્ટેટ મોનીટરીંગ સેલ અને તાલુકા પોલીસે બાતમીના આધારે છાપો માર્યો હતો. ટ્રોલિમાંથી પોલીસને ૬,૨૭,૨૦૦ની કિંમતના દારૂની ૩૦૦૪૧ બોટલો મળી આવી હતી. આ જથ્થા સાથે પોલીસે ટ્રોલિ પણ કબજે લીધી હતી. ધાનપુરના પાનમ ગામે પોલીસે શંકાના આધારે એક મોટર સાઇકલને રોકી ૧૦,૮૦૦ના વિદેશી દારૂના ૧૩૨ ક્વાટર જપ્ત કર્યા હતાં.