ખુંટામાં ઢોરોને ઘાસ-પાણી નહીં આપતાં પિતાની હત્યા કરતો પુત્ર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફરિયાદના આધારે રણધિકપુર પોલીસે હુમલો કરનાર સામે હત્યાનો ગુનો દાખલ કર્યો

લીમખેડા તાલુકાના ખુંટા ગામે ઢોરોને ઘાસ-પાણી આપવાના મુદ્દે ઉશ્કેરાયેલા પુત્રે તેના સગા પિતા ઉપર હુમલો કરીને ઘાયલ કર્યો હતો. પિતાએ ત્રણ દિવસની સારવાર બાદ દાહોદના સરકારી દવાખાનામાં શ્વાશ છોડયો હતો. ફરિયાદના આધારે રણધિકપુર પોલીસે હુમલો કરનાર સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. ખુંટા ગામના રહેવાસી રતનભાઇ નાનાભાઇ ભેદી પોતાના બે પૂત્રો કાનજી અને જશુ સાથે રહેતાં હતાં. ખેતી કરીને પરિવાર પોતાનું ગુજરાન ચલાવતો હતો.

ત્યારે નવમી તારીખની સાંજના છ વાગ્યાના અરસામાં પૂત્ર જશુએ પિતા રતનભાઇ સાથે ઢોરોને ઘાસ-પાણી આપવાના મુદ્દે તકરાર કરી હતી. ઢોરોને ઘાસ અને પાણી કેમ આપતાં નથી કહીને જશુએ ગાળો આપી રહ્યો હતો.જેથી પિતા રતનભાઇએ તેને ગાળો બોલવાની ના પાડી હતી. આ સાંભળીને આવેશમાં આવેલા જશુએ લોહીના સબંધો નેવે મુકીને પિતા રતનભાઇને માટીનો ઢેપો પેટમાં મારી દીધો હતો સાથે ગડદાપાટુનો માર પણ માર્યો હતો. આ બનાવથી આખા પરિવારમાં ખળભળાટ મચી ગયો હતો.

પૂત્ર જશુ દ્વારા કરાયેલા હુમલામાં ઘાયલ થયેલા રતનભાઇને દાહોદના સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યારે ત્રણ દિવસની સારવાર બાદ ૧૨મી તારીખની પરોઢે રતનભાઇનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. ત્યારે આ બનાવ અંગે પૂત્ર કાનજીભાઇએ રણધિકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હુમલાખોર જશુ સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. પૂત્ર દ્વારા કરાયેલા હુમલા બાદ પિતાનું મોત થવાની ઘટના ગામમાં ચર્ચાનો વિષય બની હતી.