બાબા રામદેવ પર એટ્રોસીટી એકટની કાર્યવાહી કરવા માંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યોગ ગુરુ બાબા રામદેવે દલિત વિરોધી કરેલી ટિપ્પણીથી દાહોદ જીલ્લાના દલિતોમાં પણ રોષ ફેલાયો છે. જેથી તેમની સામે કાર્યવાહી કરવા કોંગ્રેસના અનુસુચિત જાતિ મોરચાએ આવેદન આપ્યુ હતુ . માજી પ્રમુખે બાબા સામે એટ્રોસીટી દાખલ કરવા માંગ કરી છે.
બાબા રામદેવના એક વાક્યે વિવાદ ઉભો કર્યો છે. તેવી જ રીતે દાહોદ જીલ્લાના દલિતોમાં પણ આ મામલે ભારે રોષ પ્રવર્તિ‌ રહ્યો છે. જેથી કોંગ્રેસના અનું જાતિ મોરચા દ્રારા એક આવેદન સુપરત કરવામાં આવ્યુ હતુ. તેમાં જણાવ્યા પ્રમાણે તા. ૨પ એપ્રિલને શુક્રવારના રોજ લખનૌઉ ખાતે એક કાર્યક્રમમાં કહેવાતા યોગ ગુરૂ રામદેવે અશ્લિલ, અયોગ્ય અને શરમજનક ટિપ્પણી કરતાં જણાવ્યું છે કે રાહુલ ગાંધી દલિતોના ઘરોની મુલાકાત હનીમૂન અને પિકનીક માટે લે છે. યોગ ગુરૂ રામદેવની ટિપ્પણી દલિતો પ્રત્યેની નફરતભરી માનસિકતા દર્શાવે છે. આ વિવાદાસ્પદ ટિપ્પણીથી સમગ્ર ભારતના દલિતોની લાગણી દુભાઇ છે સમગ્ર દેશના દલિત બહેનો અને માતાઓની ઇજ્જત પર પ્રહાર કર્યા છે, દલિત બહેનોનું અપમાન કર્યુ છે. દલિત સમાજ પ્રત્યે યોગગુરૂ રામદેવની ઘૃણા ભરી ભાવના પ્રગટ થઇ છે. દલિતો પ્રત્યે વિકૃત માનસિકતા ધરાવતા કહેવાતા યોગ ગુરૂ રામદેવ સામે જરૂરી પગલા લેવા તેમજ તેમની પર એટ્રોસીટીની કલમ લગાવી કાર્યવાહી થાય તે માટે કોંગ્રેસ અનુ.જાતિ મોરચાના ચેતન પરમાર તેમજ માજી નગર પાલિકા પ્રમુખ ગોપાલભાઇ ધાનકાએ માંગ કરી છે.