દાહોદથી વડોદરા મેમુ અઢી કલાક મોડી રવાના કરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દાહોદથી વડોદરા મેમુ અઢી કલાક મોડી રવાના કરાઇ
- અમદાવાદમાં ઇલેક્ટ્રિક લાઇનમાં ફોલ્ટથી મેમુ ટ્રેન અટવાઈ
દાહોદ : ગાંધીનગરથી દાહોદ આવતી મેમુ ટ્રેન દાહોદમાં ત્રણ કલાક મોડી આવી હતી. આ ટ્રેનને જ સાંજે વડોદરા રવાના કરાતી હોય છે પરંતુ ગાંધીનગરથી ટ્રેન નહીં આવતાં આ સમસ્યા સર્જાઇ હતી. ગાંધીનગર મેમુ આવ્યા બાદ તેને અઢી કલાક મોડી વડોદરા માટે રવાના કરાઇ હતી. ટ્રેન મોડી હોવાથી વડોદરા જતાં કેટલાંક મુસાફરોએ પોતાની યાત્રા રદ કરી દીધી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ શહેરમાં ગાંધીનગરથી દાહોદ બપોરે 3.30 વાગ્યે આવતી મેમુ ટ્રેનને સાંજના 4.10 વાગ્યે તેને વડોદરા રવાના કરાતી હોય છે.

જોકે, રવીવારના રોજ અમદાવાદ નજીક ઇલેક્ટ્રીક લાઇનમાં કોઇ મોટી ક્ષતિ સર્જાતા ગાંધીનગરથી દાહોદ આવતી ટ્રેન ત્રણ કલાક મોડી પડી હતી. બપોરના 3.30 વાગ્યે દાહોદ આવતી આ ટ્રેન સાંજના 6.30 વાગ્યે દાહોદ આવી હતી. ગાંધીનગરથી મેમુ ટ્રેન નહીં આવતા વડોદરા માટે 4.10 વાગ્યે રવાના કરવા માટે કોઇ ટ્રેન ન હોવાથી ગાંધીનગર વાળી ટ્રેનની રાહ જોવાનો નિર્ણય રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો હતો.

વડોદરાની ટ્રેન વિલંબથી ઉપડશે તેવી જાહેરાત પણ કરી દેવામાં આવી હતી. તેના કારણે કેટલાંક લોકોએ પોતાની યાત્રા પડતી મુકી હતી જ્યારે કેટલાંક લોકોએ ગોધરા અને વડોદરા તરફ જવા માટે દેહરાદુન એક્સપ્રેસનો આશરો લીધો હતો. ગાંધીનગરની ટ્રેન મોડી પડી હોવાને કારણે તેમાં સવાર મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતાં.